મેટોડાના યુવકને ત્રાસ આપતા વ્યાજખોર બંધુ સામે ફરિયાદ
સલૂન ચલાવતા યુવાને પિતાની સારવાર માટે બે ભાઈઓ પાસેથી 50 હજાર વ્યાજ પર લીધા હતા : દરરોજ વ્યાજની ઉઘરાણી કરી એક દિવસ ચૂકાય તો પેનલ્ટી લગાવી ધમકીઓ આપતા : મેટોડા પોલીસે ગુનો નોંધ્યો
મેટોડા જીઆઇડીસીમાં રહેતા યુવકે પોતાના પિતાની સારવાર કરાવવા માટે બે વ્યાજખોર બંધુ પાસેથી રૂ.50 હજાર વ્યાજે લેતા તે વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો.અને વ્યાજની ઉઘરાણી કરવા બંને શખસો યુવાનની સલૂનની દુકાન બંધ કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં મેટોડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી બાલાજી સોસાયટી મકાનમાં રહેતા અને ગેઇટ નં ૩ પાસે સહયોગ કોમ્પલેક્ષમાં ચેમ્પીયન હેર આર્ટની દુકાન ધરાવતા મેહુલભાઈ રાજેશભાઇ ભટ્ટીએ પોતાની ફરિયાદમાં આરોપીમાં રાહુલ ઉર્ફે ગોડ બાબુતર તથા મનીયા બાબુતર (રહે.ચીભડા ગામ)નું નામ આપતા જણાવ્યું હતું કે, તેના પિતા બિમાર પડતા બાજુમાં ચાની દુકાન ધરાવતા રાહુલ બાબુતર પાસેથી 25 હજાર રોજના રૂ. ૪૦૦ વ્યાજ લેખે વ્યાજે લીધા હતા જેના સામે 22 હજાર વ્યાજ ચુકવી દીધું હોવા છતાં ફરિયાદી પાસે વધુ 30 હજારની માંગણી કરી હતી. તેમજ રાહુલના ભાઇ મનીયા પાસેથી યુવાને 50 હજાર રોજના રૂ. ૪૦૦ વ્યાજ લેખે વ્યાજે લીધા હતા. જેનું એક મહિનાનું વ્યાજ 12 હજાર ચુકવી દીધું હોવા છતાં જયાં સુધી મુદલની રકમ પુરી ન થાય ત્યાં સુધી રોજના રૂ. ૪૦૦ લેખે વ્યાજ ચૂકવવા અને વ્યાજ ન ચુકવી શકે તો સલૂન બંધ કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકીઓ આપી હતી.જેથી અંતે યુવકે બંનેના ત્રાસથી કંટાળી મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.આઈ.શર્માએ ગુનો નોંધી વ્યાજખોરોની શોધખોળ કરી છે.