2024 માં, ભારતની નાણાકીય વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો કાનૂની ચુકાદાઓ અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) હેઠળના સુધારા દ્વારા લાવવામાં આવ્યા. આ અપડેટ્સે માત્ર પાટા ઉપરથી ઉતરી ગયેલા વ્યવસાયોનું સંચાલન કરવાની રીતમાં સુધારો કર્યો નથી, પરંતુ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવીને એસેટ રિકવરીને પણ વેગ આપ્યો છે.
લોન ડિફોલ્ટ અને નાદારી
ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા અને વધી રહેલા ઉપભોક્તા ખર્ચને લીધે લોનમાં વધારો થયો છે અને તેના પરિણામે ડીફોલ્ટર્સની સંખ્યા પણ વધી છે. આ બધા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે સરકારે 2016માં IBCની રજૂઆત કરી હતી. વર્ષોથી, આ સિસ્ટમે વ્યવસાયોને તેમની કામગીરીનું પુનર્ગઠન કરવામાં અને નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં મદદ કરી છે. 2024 માં, જાહેર ક્ષેત્રની બેંકોમાં બેડ લોન (નોન-પરફોર્મિંગ એસેટ્સ અથવા NPA) માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે IBC ની અસરકારકતા દર્શાવે છે.
IBC દ્વારા રિકવરીમાં સુધારો
IBC કોર્પોરેટ ડેટ મેનેજમેન્ટમાં ગેમ-ચેન્જર રહ્યું છે. નાણાકીય તણાવને ઉકેલવા માટે એક ચોક્કસ અલાયદું માળખું ફાળવીને, તેણે લેણદારોને મુશ્કેલીમાં મુકાયેલી કંપનીઓ પાસેથી નોંધપાત્ર રકમ વસૂલવામાં મદદ કરી છે. નાણાકીય વર્ષ 2024 માં, 269 રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવ્યા હતા જે 2023 કરતાં 42% વધુ કહેવાય. IBC ની રજૂઆતથી, 3,409 કંપનીઓને બચાવી લેવામાં આવી છે, અને લેણદારોએ સંપત્તિના લિક્વિડેશન મૂલ્યના લગભગ 161.1% વસૂલ કર્યા છે.
વિવાદના ઝડપી નિરાકરણ માટે આર્બિટ્રેશન
IBC ને વધારવા માટે, જાન્યુઆરી 2024 માં એક નવા આર્બિટ્રેશન ફ્રેમવર્કની દરખાસ્ત કરવામાં આવી હતી. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય લાંબી કોર્ટ લડાઇઓ ટાળીને વિવાદોને ઝડપથી અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો છે. પ્રસ્તાવિત ફેરફારોમાં આર્બિટ્રેશન સચિવાલયની સ્થાપના અને વિવાદોના ઉકેલ માટે એક નિશ્ચિત ડેડલાઈન બનાવવાનો સમાવેશ થાય છે. આ પહેલ સરળ અને ઝડપી ઉકેલો તરફના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
2024 ના નોંધપાત્ર નિર્ણયો
આ વર્ષે, સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયોએ નાદારીની પ્રક્રિયાને સ્પષ્ટ અને મજબૂત કરી:
1. લેણદારોને વાજબી ચૂકવણી: જાન્યુઆરીમાં, કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લેણદારોને ચૂકવણી તેમની સુરક્ષાના મૂલ્ય પર આધારિત હોવી જોઈએ અને તેની પર કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) માં તેમની મતદાન શક્તિનો કોઈ પ્રભાવ હોવો જોઈએ નહિ.
2. નાદારીમાં ઇક્વિટી: ફેબ્રુઆરીમાં, કોર્ટે જો નોંધપાત્ર લેણદારોને અન્યાયી રીતે બાકાત રાખ્યા હોય તો રિઝોલ્યુશન પ્લાનને પાછી ખેંચવાની મંજૂરી આપીને એકસમાન ન્યાય આપવા પર ભાર મૂક્યો હતો.
3. સામૂહિક નાદારી: ઑક્ટોબરમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે નાદારીની કાર્યવાહી, એકવાર સ્વીકારવામાં આવે, તે તમામ હિતધારકોને ધ્યાનમાં લેવી જોઈએ, માત્ર સામેલ પક્ષકારોને જ નહીં.
4. લેણદારના અધિકારો: નવેમ્બરમાં, કોર્ટે જેટ એરવેઝને ફડચામાં લેવાનો આદેશ આપ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રિઝોલ્યુશન પ્લાન બંધનકર્તા કરાર છે અને લેણદારોના અધિકારોનું સન્માન કરવું જોઈ એ.
IBBI ની ભૂમિકા
ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI) IBC ફ્રેમવર્કને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેણે સિસ્ટમને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે નીતિમાં ફેરફાર કર્યા છે. IBBI વર્કશોપનું પણ આયોજન કરે છે અને રિયલ એસ્ટેટની નાદારી અને MSME નોંધણી જેવા પડકારોને પહોંચી વળવા સ્ટેક હોલ્ડરો પાસેથી રીવ્યુ અને ફીડબેક પણ માંગે છે.
આઈબીસી એ આઠ વર્ષથી ભારતના નાણાકીય સુધારાના માળખામાં મુખ્ય ખેલાડી છે. જો કે, જેમ જેમ અપેક્ષાઓ વધે છે તેમ, ઝડપી ઉકેલો અને બહેતર રીકવરી દરની જરૂર છે. ભાવિ સુધારાઓમાં લેણદારની આગેવાની હેઠળનું માળખું, ક્રોસ-બોર્ડર નાદારીના પગલાં અને જૂથ નાદારીના ઉકેલનો સમાવેશ થઈ શકે છે. સતત વિકસી રહેલું IBC માત્ર રોકાણકારોના વિશ્વાસને જ મજબૂત બનાવતું નથી પરંતુ ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતામાં પણ યોગદાન આપે છે.