કારમાંથી અત્યાર સુધી કૂલ કેટલું સોનું નીકળ્યું ? બીજું શું હાથ લાગ્યું છે ? વાંચો
ભોપાલમાંથી જે રીતે એક કારમાંથી સોના ચાંદી અને રોકડ રકમ મળી આવ્યા હતા તેને લઈને તપાસ થઈ રહી છે અને સોમવારે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે અત્યાર સુધીમાં ૩૦૦ કિલો સોના ચાંદી નીકળી પડ્યા છે અને ઇડી પણ તપાસ માટે દોડી છે. હજુ પણ અનેક ખુલાસા થઈ શકે છે.
પરિવહન વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા અને તેના સાથી ચેતનસિંહ ગૌર સામે એનઆઈએ દ્વારા કેસ દાખલ કરાયો છે અને હવે ઇડીની તપાસમાં નવા ધડાકા થઈ શકે છે. સૌરભ શર્મા વિરુધ્ધના દરોડામાં અત્યાર સુધી કૂલ ૩૦૦ કિલો સોના ચાંદીનો ભંડાર મળ્યો છે.
કારમાંથી આ પહેલા ૧૦ કરોડની રોકડ પણ મળી હતી. આ તપાસ દરમિયાન વધુ કેટલાક ભંડાર મળવાની પણ શક્યતા છે. અધિકારીઓ દરેક એન્ગલની તપાસ કરી રહ્યા છે. એક પૂર્વ કોન્સ્ટેબલ એકલો આટલું મોટું કામ કરી શકે જ નહીં તેમ માનવામાં આવે છે.
૧૦૦ કરોડની લાંચના લેખાંજોખાં
ડાયરી મળી; કેટલાય નેતાઓ અધિકારીઓના પરાક્રમો ખૂલી જવાનો ભય ફેલાયો છે
દરમિયાનમાં અધિકારીઓના હાથમાં એક સિક્રેટ ડાયરી પણ આવી ગઈ છે. જેમાં રૂપિયા ૧૦૦ કરોડથી વધુની લાંચના લેખાંજોખાં છે. આ લેનદેનમાં પરિવહન વિભાગના અનેક અધિકારીઓ અને નેતાઓની કારકિર્દી ખતરામાં આવી શકે છે. તપાસના ઘોડા ઝડપથી દોડી રહ્યા છે અને સત્ય બહાર આવશે તો કેટલાયના તપેલા ચડી શકે છે. તપાસ એજન્સીઓ આ ડાયરીને મહત્વના પુરાવા તરીકે જોઈ રહી છે. લાંચ લેનાર દરેકના નામ તેમાં છે અને ધીમે ધીમે બધા સામે એક્શન આવી શકે છે અને મોટું કૌભાંડ ઉજાગર થઈ શકે છે.
જો કે ડાયરીની વાતો આપણે ત્યાં જૂની છે અને તેનાથી આરોપીઓ અદાલતમાં બચી જાય છે. ૧૯૯૦ માં પણ જૈન ડાયરીએ ધમાલ હતી અને સંસદથી સડક સુધી દેકારો હતો. જેમાં લાંચ લેનારના નામ નીકળ્યા હતા પણ અદાલતે ડાયરીને પુરાવા તરીકે માનવાનો ઇનકાર કરી દીધો હતો.