બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુએ પ્રભુતામાં પગલાં માંડ્યા : ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
ભારતીય બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુએ ઉદયપુરમાં તેના મંગેતર વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ હાજરી આપી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્ન પહેલા બંનેએ 14 ડિસેમ્બરે સગાઈ કરી હતી, જેની માહિતી સિંધુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી હતી.
લગ્નની પહેલી તસવીરો કોણે શેર કરી ?
Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024
આ ભવ્ય લગ્નમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક જોવા મળી હતી. જોધપુરના સાંસદે તેમના સત્તાવાર ‘X’ હેન્ડલ પર લગ્નની પ્રથમ તસવીર શેર કરી. તેણે લખ્યું, “ગઈ સાંજે અમારી બેડમિન્ટન ચેમ્પિયન ઓલિમ્પિયન પીવી સિંધુ અને વેંકટ દત્તા સાઈના લગ્નમાં હાજરી આપી હતી અને તેઓને તેમના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.”
કોણ છે પીવી સિંધુના પતિ વેંકટ દત્તા સાઈ ?
પીવી સિંધુના પતિ વેંકટ દત્તા સાઈ હૈદરાબાદમાં રહે છે અને પોસિડેક્સ ટેક્નોલોજીમાં વરિષ્ઠ પદ પર કામ કરે છે. તેમનો અનુભવ ફાયનાન્સ, ડેટા સાયન્સ અને એસેટ મેનેજમેન્ટનો છે. તેના અને પીવી સિંધુના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને લોકો તેમના વિશે જાણવામાં રસ લઈ રહ્યા છે.
વેંકટ દત્તા સાઈએ દિલ્હી કેપિટલ્સની પણ જવાબદારી સંભાળી છે
વેંકટ દત્તા સાંઈની કારકિર્દી પણ ક્રિકેટ સાથે જોડાયેલી રહી છે. તેણે પોતાની કારકિર્દી JSW કંપનીમાં ઈન્ટર્ન તરીકે શરૂ કરી અને બાદમાં ત્યાં કન્સલ્ટન્ટ બન્યા. આ સમય દરમિયાન, તેણે JSWની IPL ટીમ દિલ્હી કેપિટલ્સનો હવાલો પણ સંભાળ્યો. વેંકટે એક વખત કહ્યું હતું કે, “આઈપીએલ ટીમને મેનેજ કરવાના કામની સરખામણીમાં ફાયનાન્સ અને ઈકોનોમિક્સમાં મારો અભ્યાસ ઓછો લાગે છે, પરંતુ મેં તે બંનેમાંથી ઘણું શીખ્યું.”
સિંધુએ ગોલ્ડન ક્રીમ કલરની સાડી પહેરી
જે તસવીર સામે આવી છે તેમાં સિંધુ અને વેંકટ બેઠા છે. જ્યારે ગજેન્દ્ર સિંહ તેમને આશીર્વાદ આપી રહ્યા છે. નજીકમાં કેટલાક વધુ લોકો દેખાય છે. સિંધુએ તેના લગ્ન માટે ગોલ્ડન ક્રીમ રંગની સાડી પસંદ કરી હતી. તેણીએ ભારે ઘરેણાં પણ પહેર્યા હતા. જોકે સિંધુએ લગ્નના ઘણા કલાકો બાદ પણ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી નથી. ચાહકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
24મી ડિસેમ્બરે ભવ્ય રિસેપ્શન યોજાશે
ગજેન્દ્ર સિંહ શેખાવત ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સિંધુને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. સિંધુ અને આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈના લગ્ન ઉદયપુરના લેક સિટીની મધ્યમાં આવેલી હોટેલ રાફેલ્સમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્નમાં માત્ર નજીકના અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે આ કપલ 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપી શકે છે.