કુવૈતમા ભારતીય શ્રમિકોને વડાપ્રધાન મોદીએ કહ્યું – હું 12 કલાક કામ કરું છુ
કુવૈતનાં બે દિવસના પ્રવશે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. વડાપ્રધાને કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઈન્ટરનેટ) છે અને જો આપણે દુનિયામાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવા ઈચ્છીએ તો તેની કિંમત ઘણી ઓછી છે. જો તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ તેની કિંમત ઘણી ઓછી છે. લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે હું વિકસિત ભારત 2047 વિશે વાત કરું છું કારણ કે મારા દેશના મજૂર ભાઈઓ જેઓ આટલા દૂરના સ્થળોએ કામ કરવા આવ્યા છે તેઓ પણ વિચારે છે કે તેમના ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેવી રીતે બનાવવું.
હું આખો દિવસ વિચારતો રહું છું કે આપણા ખેડૂતો કેટલી મહેનત કરે છે. આપણા મજૂરો કેટલી મહેનત કરે છે. જ્યારે હું આ બધા લોકોને મહેનત કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેઓ 10 કલાક કામ કરે છે તો મારે પણ 11 કલાક કામ કરવું જોઈએ. જો તેઓ 11 કલાક કામ કરે છે તો મારે પણ 12 કલાક કામ કરવું જોઈએ અને બીજું તમે તમારા પરિવાર માટે મહેનત કરો છો કે નહીં? હું મારા પરિવાર માટે પણ કામ કરું છું, મારા પરિવારમાં 140 કરોડ લોકો છે, તેથી મારે થોડું વધારે કામ કરવું પડશે.