બન્ને દેશની મહિલા ટીમ વચ્ચે આજથી વડોદરામાં રમાશે મુકાબલા
આજથી વડોદરામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાવાની છે. એકંદરે વડોદરાને પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેચનું યજમાનપદ મળ્યું છે ત્યારે તેને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આ શ્રેણી માટે આઈસીસી દ્વારા મેચ રેફરી તરીકે રાજકોટ ઈન્કમટેક્સના નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ ભટ્ટની વરણી કરવામાં આવી છે.
એવું પહેલી વખત બનશે જ્યારે પ્રકાશ ભટ્ટ આઈસીસી આયોજિત કોઈ શ્રેણીમાં રેફરી તરીકે કાર્યરત રહેશે. અગાઉ તેવો પુરુષ-મહિલાની મળી ૧૭ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં રેફરી તરીકે જવાબદારી વહન કરી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-વિન્ડિઝ વચ્ચે વડોદરામાં આજે પહેલો મુકાબલો રમાશે. જ્યારે બીજી મેચ ૨૪ અને ત્રીજી ૨૭ ડિસેમ્બરે રમાશે.