કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઈ-કેવાયસી શરૂ કરાશે
કચેરીના જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે સુવિધા વધારવા કલેકટરની સૂચના
રાજકોટ : એક સમયે અરજદારોથી ઉભરાતા રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં હાલમાં દરરોજ ગણ્યાગાંઠયા અરજદારો જ આવી રહ્યા છે ત્યારે ઈ-કેવાયસીના દેકારા વચ્ચે અહીં ઈ-કેવાયસીની કામગીરી ન થતી હોય જિલ્લા કલેકટરે જનસેવા કેન્દ્ર ખાતે ઈ-કેવાયસીની કામગીરી સત્વરે શરૂ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના ભોંયતળિયે આવેલ જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, નોન ક્રીમીલેયર દાખલા અને રેશનકાર્ડ સહિતની અનેક મહત્વની કામગીરી થઇ રહી છે. પરંતુ કોઈપણ કારણોસર અહીં અરજદારો પ્રમાણમાં ઓછા આવી રહ્યા છે, બીજીતરફ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં રેશનકાર્ડ ઈ-કેવાયસીની કામગીરી થતી જ ન હોવાની ફરિયાદ જિલ્લા કલેકટર સુધી પહોંચતા તેઓએ તાત્કાલિક અસરથી જનસેવા કેન્દ્રમાં ઈ-કેવાયસી શરૂ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હોવાનું જાણવા મળે છે જેથી હવે નાગરિકોને કલેકટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં પણ ઈ-કેવાયસીની સુવિધા મળી શકશે.