આજીડેમ ચોકડી પાસે કાળમુખા ટ્રકે બાઇક ચાલક વૃદ્ધનો જીવ લીધો
માંડાડુંગરમાં રહેતા વૃદ્ધ કારખાને કામ પર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો : ટ્રક મૂકી નાશી છૂટેલા ચાલક સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં માટેલા સાંઢની જેમ બેફામ દોડતા ટ્રક અને ડમ્પર ચાલકો દિન-પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જી રહ્યા છે અને તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં પણ નિષ્ફળ રહી હોય તેવું માલૂમ પડી રહ્યું છે કારણ કે,વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે કાળમુખા ટ્રક ચલાકે 65 વર્ષીય વૃદ્ધ બાઈક ચાલકને ઠોકરે ચડાવ્યા હતા.અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી.
વિગતો મુજબ, શહેરમાં માંડાડુંગરમાં આવેલ રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં રહેતા ભાઈલાલ પોપટભાઈ પરમાર (ઉ.65) ગઇકાલ સવારે કારખાનામાં મજુરી કામે જવા પોતાની બાઈકમાં નિકળ્યા હતા અને તેઓ આજીડેમ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ ઝડપે આવેલ ટ્રક નં. જીજે 11 યુ 8853ના ચાલકે ઠોકરે લેતા વૃદ્ધ રોડ પર પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.જ્યારે અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.