સોનીબજાર, પ્રહલાદ પ્લોટ સહિતના વિસ્તારના રહેવાસીઓએ ધારસભ્ય ટીલાળાને સાથે રાખી કરી રજુઆત
જો.. જો.. સાહેબ અમારે હિજરત ન કરવી પડે : કલેકટર સમક્ષ વેપારીઓની રજુઆત
બાંગ્લાદેશી અને બંગાળી મુસ્લિમોના નામે મિલ્કત ખરીદી લઘુમતીઓ વસવાટ કરવા લાગ્યાનો આરોપ
રાજકોટ શહેરના રૈયારોડ ઉપર અશાંતધારા ભંગને લઈ ધારાસભ્ય દર્શિતાબેન શાહની ફરિયાદ બાદ ગુરુવારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં શહેરના સોનીબજાર, પ્રહલાદ પ્લોટ, વર્ધમાનનગર, હાથીખાના, કેવડાવાડી, જયરાજપ્લોટ સહિતના વિસ્તારના લોકોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી તેમના વિસ્તારમાં બાંગ્લાદેશી અને બંગાળી મુસ્લિમોના નામે મિલ્કત ખરીદી લઘુમતીઓ વસવાટ કરવા લાગ્યા હોવાની રજુઆત કરી આ વિસ્તારમાં બહેન દીકરીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં હિન્દૂ વિસ્તારમાં છેલા ઘણા સમયથી મુસ્લિમ સમાજ દ્વારા મિલ્કત ખરીદી કરી શાંતિ જોખમાઈ તેવા પ્રયાસો થઇ રહ્યા હોવાની રજુઆત ગુરુવારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા આવેલા વોર્ડ નંબર 7,8 અને 14ના રહેવાસીઓએ કરી હતી. રજુઆત કરનાર લોકોએ જણાવ્યું હતું કે, શહેરના સોનીબજાર, પ્રહલાદ પ્લોટ, વર્ધમાનનગર, હાથીખાના, કેવડાવાડી, જયરાજપ્લોટ,ગુંદાવાડી, લક્ષ્મીવાડી, કોઠારીયા કોલોની સહિતના વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં બંગાળી લોકોના નામે મિલ્કત ખરીદી કરી અહીં મુસ્લિમ વસવાટ કરવા લાગ્યા છે.
વધુમાં રજુઆત કરનાર સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સોનીબજાર, પ્રહલાદ પ્લોટ, વર્ધમાનનગર, હાથીખાના, કેવડાવાડી, જયરાજપ્લોટ,ગુંદાવાડી, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારમાં હિન્દૂ સમાજના મંદિરો આવેલા છે તેની નજીકની જ મિલ્કતો ખરીદ કરી મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરી આજુબાજુના માહોલને ખરાબ કરી રહ્યા છે, સાથે જ રજુઆતમાં રાજેશ્રી સિનેમા નજીક બનેલ મારામારીનો બનાવ, જુમા મસ્જિદ પાસેનો બનાવ તેમજ હાથીખાનામાં બનેલા બનાવ અંગે પણ જિલ્લા કલેકટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોનીબજારમાં લાંબા સમયથી બંગાળી કારીગરોનો ત્રાસ વધી ગયો હોવાનું અને મુસ્લિમ બંગાળી કારીગરો અહીં પ્રોપર્ટી ખરીદી કરી બાદમાં અન્ય મુસ્લિમ લોકોને વેચાણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તાજેતરમાં પ્રહલાદ પ્લોટમાં હવેલી પાસે હિન્દૂ સમાજના વિરોધ વચ્ચે બેન્ક દ્વારા મુસ્લિમ જ્ઞાતિના લોકોને પ્રોપર્ટી વેચી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરી હિન્દૂ બહુમતીવાળા વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પગલાં ભરવા માંગ કરી હતી.