પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 પર પેંડા ગેંગનો હુમલો
નામચીન પેંડા ગેંગના સાગરીતોએ છરીના ઘા ઝીંકી પથ્થરો ફેકી કારમાં તોડફોડ કરી : હત્યા કેસના આરોપી સહિત 9 સામે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે પોલીસ કર્મચારીની નામચીન પેંડા અને તેના સાગરીતો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. અને આ હત્યાના બનાવના તાજના સાક્ષીના ભાઈ ઉપર હત્યાના આરોપી સહિતના 9 શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. તેમજ સાક્ષીના બે મિત્રોને પણ છરીના ઘા ઝીંકી દેતા આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ રાજકોટના કોઠારિયા ગામ ગોકુલપાર્ક શેરી નં. 3માં માતૃશ્રી વિદ્યામંદિર સ્કૂલ વાળી શેરીમાં રહેતા રમેશ દેવરાજ ગજેરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનીષ મીસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2016માં પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં નામચીન શક્તિ ઉર્ફે પેંડો તથા જેની હત્યા થઈ તે ઋષિરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ હત્યા કેસમાં રમેશ દેવરાજભાઈ ગજેરાના ભાઈ જીજ્ઞેશ કે જેણે હત્યા નજરે જોઈ હોય અને તે તાજના સાક્ષી હોય કોર્ટમાં જિજ્ઞેશે જુબાની આપી હોય આ હત્યા કેસનો આરોપી શક્તિ ઉર્ફે પેંડા ગેંગનો રાજા જાડેજાએ તે બાબતનો ખાર રાખી તેના સાગરીતો સાથે મળીને રાત્રિના 11 વાગ્યાના સુમારે રમેશ ઉપર હુમલો કર્યો હતો.
આ બનાવ વખતે રમેશનો મિત્ર દિવ્યેશ ઠુંમર અને દેવ ટાંક પણ સાથે હોય તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.રાજાએ રમેશને છરીનો ઘા ઝીંક્યો હતો તેમજ ચીરાગ બકાલીએ દિવ્યેશને છરી ઝીંકી હતી જ્યારે વચ્ચે પડેલા દેવ ટાંકને પણ રાજાએ છરી મારી દેતા ત્રણેય મિત્રોને ઈજા પહોંચી હતી. તેમજ આ ટોળકીએ સોડા-બોટલ અને પથ્થરોના ઘા કરી ગાડીના કાંચ તોડી નાખ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને 9 સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી.