મુંબઈમાં નેવીની બોટના કેપ્ટને નિયંત્રણ ગુમાવ્યું અને દુર્ઘટના સર્જાઇ : 13ના મોત, વડાપ્રધાને સહાયની કરી જાહેરાત
૧૧૦ પ્રવાસીઓ ગુફાઓ જોવા જઇ રહ્યા હતા અને નેવીની સ્પીડ બોટ અથડાઇ
નૌસેનાના ૩ કર્મચારી અને ૧૦ યાત્રીકોનો ભોગ લેવાયો લાપતા પ્રવાસીઓને શોધવા માટે નેવી, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન થયું: ૧૦૧ને બચાવાયા
મુંબઈના ગેઇટ વે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટાની ગુફાઓ તરફ જઈ રહેલી નીલકમલ નામની એક પ્રવાસી બોટ બુધવારે સાંજે ઉરન-કારંજા પાસે ડૂબી જતા મોટી દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ૧૩ પ્રવાસીનાં મોત થયા હતા. જેમાં નૌસેનાના ૩ કર્મચારી અને ૧૦ યાત્રીકોનો સમાવેશ થાય છે. નેવીની સ્પીડ બોટે ટક્કર મારતા ૧૧૦ યાત્રીકો સાથેની બોટ ઉંધી વળી ગઇ હતી. અને કોસ્ટગાર્ડ, નૌસેના તથા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું અને ૧૦૧ પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. બે લોકોની હાલત અનેક લોકો લાપતા થયા હતા અને તેમને શોધવા માટે બધી એજન્સીઓ કામે લાગી હતી. આ દુર્ઘટનાની જાણ થતા જ નેવી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને જુદી જુદી બોટના સહારે મુસાફરોને ડૂબતા બચાવ્યા હતા. પ્રવાસીની શોધખોળ માટે ચાર હેલીકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ફડણવીસે રાત્રે ૮:૩૦ વાગ્યે વિધાનસભામાં જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, નૌસેનાના ૩ કર્મચારી અને ૧૦ યાત્રીકોના મૃત્યુ થયા છે અને ૧૦૧ યાત્રીકોને બચાવી લેવાયા છે.
મુંબઇમાં નેવીની બોટના કેપ્ટને નિયંત્રણ ગુમાવ્યું અને દુર્ઘટના સર્જાઇ
નૌસેનાની ૧૧ બોટ, ૪ હોલિકોપ્ટર, મરીન પોલીસની ૩ બોટ અને સ્થાનિક માછીમારોની બોટ વડે ૧૦૧ લોકોને બચાવી લેવાયા: મુખ્યમંત્રીએ કહ્યું દુર્ઘટનાની તપાસ થશે: મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની રાહત સહાય

મુંબઈના ગેઇટ વે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટાની ગુફાઓ તરફ જઈ રહેલી નીલકમલ નામની એક પ્રવાસી બોટને નૌસેનાની સ્પીડ બોટે ટક્કર મારતા સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનાથી ભારે કરૂણતા સર્જાઇ હતી. આ ઘટના બનતા તરત જ નૌસેનાની ૧૧ બોટ, ૪ હેલીકોપ્ટર, કોસ્ટગાર્ડની એક બોટ, મરીન પોલીસને ૩ બોટ અને સ્થાનિક માછીમારોની બોટ ડુબતા યાત્રીકોને બચાવવા માટે કામે લાગી હતી. અને યાત્રીકોને કોસ્ટગાર્ડની બોટમાં ગેટ-વે પર પરત લાવવામાં આવ્યાં હતાં અને ત્યાંથી અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે.એન.પી.ટી. હોસ્પિટલ, નેવી ડોકયાર્ડ હોસ્પિટલ, અશ્વિની હોસ્પિટલ, સેન્ટ જ્યોર્જ તથા કરાંજે હોસ્પિટલોમાં યાત્રીકોને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રાત્રે ૨ યાત્રીકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. નૌસેનાએ એકસ પર પોસ્ટ મુકીને એમ લખ્યું હતું કે, નૌસેનાની બોટનું એન્જીન ટ્રાયલ પર હતું અને આ દરમિયાન કેપ્ટને નિયંત્રણ ગુમાવી દીધું હતું. અને મુસાફરોની બોટ સાથે ટક્કર થઇ હતી.

PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે . આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે . નેવીના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકો માટે 50 હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

કોલાબા પોલીસે કેસ નોંધ્યો
મુંબઈ અકસ્માત અંગે નેવી ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નેવી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી આ બોટ એલિફન્ટા દ્વીપથી ગેટવે ઓફ ઈન્ડિયા તરફ જઈ રહી હતી. કોલાબા પોલીસે મુંબઈના નાથારામ ચૌધરીની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જે બોટ અકસ્માતમાં નાસી છૂટ્યો હતો. ભારતીય નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દરિયામાં એન્જિન ટ્રાયલ દરમિયાન સ્પીડબોટ ખરાબ થઈ જતા તે કાબૂ બહાર ગઈ અને પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી.