ચોમાસામા બેરોજગાર બની જતા બાંધકામ ક્ષેત્રનાં કામદારોને સરકાર મહિને ૩૦૦૦ આપશે
રાજ્ય સરકારની યોજના : ૧૦ લાખ કામદારોને મળશે લાભ
બાંધકામ ક્ષેત્રે રોકાયેલા કામદારોને ચોમાસા જેવી સીઝનમાં કોઈ કામ હોતુ નથી અને તેને લીધે તેમને ગુજરાન ચલાવવુ મુશ્કેલભર્યું બની રહે છે ત્યારે રાજ્ય સરકારે આવા કામદારોને વર્ષમાં ત્રણ થી ચાર મહિના માટે દર મહીને ૩૦૦૦ રૂપિયા આપવા વિચારણા હાથ ધરી છે.
ટોચના સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર પાસે બાંધકામ ક્ષેત્રે કામ કરતા કામદારોના વેલ્ફેર માટે અંદસ્જે ૫૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ ઉપયોગ કર્યા વગરનું પડ્યુ છે. રાજ્ય સરકાર આવા કામદારોના કલ્યાણ માટે દર વરસે અંદાજે ૯૦૦ કરોડ રૂપિયા સેસ પેટે ઉઘરાવે છે.
આ સુત્રોએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઈ-નિર્માણ પોર્ટલ હેઠળ અંદાજે ૧૦ લાખ કામદારોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને આ તમામને મહીને ૩૦૦૦ રૂપિયાનો લાભ મળશે. આ નાણા સીધા કામદારોના બેંક ખાતામાં જ જમા થશે. દર વરસે આ રીતે અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
ચોમાસા દરમિયાન બાંધકામ ઉદ્યોગ મોટાભાગે ઠપ્પ થઇ જાય છે અને કારીગરો પોતાના વતન ચાલ્યા જાય છે. ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે આદિવાસી જિલ્લાઓમાં વસતા કારીગરો મોટી સંખ્યામાં કામ કરે છે.
કારીગરો માટે રાજકોટમાં શ્રમિક બસેરા : રોજના ૫ રૂપિયામાં રહેવા મળશે
રાજ્ય સરકારે કહ્યું છે કે બાંધકામ ક્ષેત્રે કાર્યરત કારીગરો માટે રાજકોટ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં કામચલાવ ધોરણે ૧૭ જેટલા શેલ્ટર હાઉસ બની રહ્યા છે. એક વખત આ બાંધકામ પૂરું થઇ જાય પછી બધામાં મળીને ૧૫ હજાર જેટલા લોકોને આ શેલ્ટર હાઉસમાં રહેવાની સગવડ આપવામાં આવશે. આ માટે તેમની પાસેથી રોજિંદુ ૫ રૂપિયા ભાડુ વસુલવામાં આવશે.
આ શેલ્ટર હાઉસમાં રજીસ્ટર્ડ કારીગરોને રહેવાની સુવિધા આપવામાં આવશે. વધુમાં લાભાર્થીના ૬ વર્ષ કે તેનાથી ઓછી ઉમરના બાળકો પેટે કોઈ ભાડું લેવામાં નહી આવે. આ પ્રકારના શેલ્ટર તેમને તેમના કામના સ્થળેથી એક કિલોમીટરના અંતરમાં આપવામાં આવશે. આ શેલ્ટર હાઉસમાં પાણી, વીજળી, તબીબી સુવિધા અને સિક્યોરિટીની સુવિધા હશે. આ શેલ્ટર હાઉસને ‘શ્રમિક બસેરા’નામ આપવામાં આવ્યું છે.