કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની ગાદી ડગુમગુ: 23 સાંસદોએ રાજીનામુ માગ્યું
- ગઠબંધનના સાથી પક્ષે પણ પદ છોડવા સલાહ આપી
કેનેડાના ભારત વિરોધી વડાપ્રધાન જસ્ટિન ટુડોની રાજકીય કારકિર્દી સામે ગંભીર ખતરો ઉભો થયો છે. નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ એ રાજીનામું આપી દીધા બાદ જસ્ટિન ટુડો સામેનો પક્ષનો આંતરિક વિરોધ વધુ પ્રબળ બન્યો છે. તેમના પક્ષના 23 સાંસદોએ જ રાજીનામાની માંગણી કરતા ટુડો ગંભીર સંકટમાં મુકાઈ ગયા છે. કેનેડાના પ્રસાર માધ્યમોએ જસ્ટિન ટુડો રાજીનામું આપવા માટે ભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા.
એ દરમિયાન ટુડોની લઘુમતી સરકારને ટેકો આપનાર ન્યુ ડેમોક્રેટિક પાર્ટી ના નેતા જગમિત સિંહે પણ ટુડોને પદ છોડવા સલાહ આપી હતી. જોકે લઘુમતી સરકારને સમર્થન પરત ખેંચવાની વાત તેમણે નથી કરી પણ તેમણે આપેલા નિર્દેશને પગલે કેનેડામાં રાજકીય કટોકટી સર્જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જગમિત સિંહે જસ્ટિન ટુડોની નીતિઓ સામે સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે મોંઘવારી એટલી બધી છે કે લોકો કરિયાણું પણ નથી ખરીદી શકતા. યુવા પેઢી માટે વ્યાજબી દરે આવાસો પ્રાપ્ય નથી. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ટેરિફ લગાવવાની ચેતવણીને પગલે હજારો નોકરીઓ ઉપર જોખમ સર્જાવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આ બધા મુદ્દાઓને કોરાણી રાખી જસ્ટિન ટુડો તેમના પક્ષના આંતરિક ઝઘડાને ઠારવામાં રચ્યા પચ્યા રહે છે.આવા સંજોગોમાં જસ્ટિન ટુડો વડાપ્રધાન પદ પર રહે તે કેનેડાના હિતમાં ન હોવાનો તેમણે અભિપ્રય વ્યક્ત કર્યો હતો.
ટુડો સરકારના નાયબ વડાપ્રધાનના રાજીનામા બાદ કેનેડામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.
કેનેડાની સી ટીવી ન્યુઝ ચેનલે તો જસ્ટિન ટુડોએ તેમના રાજીનામાં અંગે કેબિનેટને જાણ પણ કરી દીધી હોવાનો ધડાકો કર્યો હતો.