મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા અપરાધ કેવી રીતે ? સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ ના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં દાખલ કરાયેલા કેસને રદ કરવા સામે હાઈકોર્ટના આદેશને પડકારતા કેસમાં કર્ણાટક સરકાર પાસેથી સોમવારે સુપ્રીમ કોર્ટે જવાબ માંગીને એવો સવાલ કર્યો છે કે મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા અપરાધ કેવી રીતે બની શકે છે ?
મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવાને લઈને દાખલ કરવામાં આવેલ કેસને રદ કરવા વિરુદ્ધની અરજી પર નોટિસ જારી કરવા માટે હાલમાં સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારને કહ્યું કે, તમે અરજીની કોપી કર્ણાટક સરકારને સોંપો. રાજ્ય સરકારની જાણકારી લીધા બાદ જાન્યુઆરીમાં આ કેસની સુનાવણી કરાશે.
સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટક સરકારને પૂછ્યું કે શું કોઈ મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા એ અપરાધ છે? આ સાથે કોર્ટે પૂછ્યું કે મસ્જિદમાં કથિત રીતે નારા લગાવનારા આરોપીઓની ઓળખ કેવી રીતે થઈ? જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એમ પણ પૂછ્યું હતું કે શું આરોપીઓની ઓળખ નક્કી કરતા પહેલા સીસીટીવી ફૂટેજ કે અન્ય કોઈપણ પ્રકારના પુરાવાની તપાસ કરવામાં આવી હતી?