શિયાળામાં વહેલા ઉઠશો તો ગુજરી જશો…! વહેલી સવારે શીતળ જળ વડે નહાવાની સલાહ આપનારાઓ તમારા જાની દુશ્મન
વહેલી સવારે શીતળ જળ વડે નહાવાની સલાહ આપનારાઓ તમારા જાની દુશ્મનો છે.એ લોકો તમને વહેલાસર ગુજરી જતાં જોવા તલપાપડ છે.તમારા ઉઠમણામાં પહેરવા માટે સફેદ ઝભ્ભા લેંઘા તેમણે ઈસ્ત્રી કરાવીને તૈયાર રાખ્યા છે.પૃથ્વી ઉપરની તમારી હાજરી એ લોકોને આંખના કણાની માફક ખૂંચે છે. અખબારોની અવસાન નોંધોમાં તમારું નામ વાંચવા માટે એમની ખૂની આંખો તરસી રહી છે.
‘શું, યાર, દસ દસ વાગ્યા સુધી પથારીમાં ઘોરતા રહો છો. વહેલા ઊઠો, રેસકોર્સને એક ચક્કર લગાવો, કસરત કરો, ચણા ખાવ ચણા, અડદિયા બડદિયા ખાવ, શિયાળો છે. શરીર બનાવો શરીર…’ મારા શરીર સૌષ્ઠવ તરફ તુચ્છ નજર ફેંકી એક મિત્રએ સલાહ આપી. એના ગયા પછી શિયાળા વિષે ગાઢ ચિંતન કરતા મને સમજાયું કે આદિકાળથી શિયાળા વિષે જનમાનસમાં ભયંકર ભ્રમ પ્રવર્તે છે. શિયાળો જાણે કે તમામ ઋતુઓમાં ઉતમોતમ હોય અને સળી જેવા શરીર ધરાવનારાઓને પણ સુમો પહેલવાન બનાવી દેવા માટે જ પરમ કૃપાળુ પરમાત્માએ એને બનાવી હોય એવો એક વ્યવસ્થિત પ્રચાર વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. શિયાળામાં માયકાંગલાઓ પણ હટ્ટાકટ્ટા થઇ જાય છે, સુસ્તીના સામ્રાજ્યનો અંત આવે છે અને ચારે તરફ સ્ફૂર્તિના દરિયા ઉછળ ઉછળ થાય છે એવો અપપ્રચાર કેટલાંક મલિન હિત ધરાવતા તત્વો દ્વારા એટલા જોરશોરથી કરવામાં આવે છે કે આપણે એ બધું સાચું માની બેઠાં છીએ. પણ અમારી જેમ શાંતિથી સ્વસ્થ ચિતે વિચાર કરશો તો તમો પણ માનશો કે શિયાળામાં કાંઇ સક્કરવાર નથી. વાસ્તવમાં શિયાળો તમામ ઋતુઓમાં સૌથી વધારે રોગનો પ્રસાર કરનારી, માણસોની સ્વતંત્રતા છીનવનારી, શરીરના મુક્ત હલનચલન ઉપર અંકુશ નાખનારી, વધારે વસ્ત્રોનું વજન વહન કરવા માટે મજબૂર કરનારી, ઉનાળામાં પરસેવાથી લીસી ચકમકતી રહેતી ત્વચાને સૂકીભઠ્ઠ અને અનેક તડ તિરાડોવાળી કરનારી, મનુષ્યની નાસિકાઓને ગંદા દ્રવ્યોથી ભરી દેનારી અને સ્નાનાદી કર્મો પ્રત્યે અણગમો ઉત્પન્ન કરનારી , અનેક પ્રકારના અવગુણોથી ભરેલી સાવ ઉષ્મા વગરની ઠંડીગાર ઋતુ છે. ઠંડીના ફાયદા કરતા ગેરફાયદા વધારે છે.
કાળા માથાંના માનવીને ઠંડી બે કોડીનો કરી દે છે. સાવ ઉઘાડા માથાં રાખીને વિહાર કરતા નરબંકાઓના ઉન્નત મસ્તકો શરમના માર્યા ઘેટાના ઉનની ટોપીઓમાં લપાઇ જાય છે. બટન વગરના શર્ટો ચડાવીને ગામ લોકોને પોતાની ફોલાદી છાતીના દર્શન કરાવનારા શૂરવીરો ગળા લગીના બંધ જાકીટોમાં કેદ થઈ જાય છે. બાંય વગરના ગંજી અને બરમૂડા ઠઠાડીને હરાયા ઢોરની જેમ ભટકતા મરદના ફાડ્યાઓને ચાર ચાર જોડી કપડાં અને હાથ પગના મોજા પહેરી ન છુટકે સારા માણસ જેવું થઈ જવું પડે છે. આઈસ્ક્રીમની છ-છ પ્લેટો પેટમાં પધરરાવનારાઓ મોઢાં કટાણા કરીને કાવાની પ્યાલીઓ ગટગટાવતા થઈ જાય છે. બન્ને હાથોને મુક્તપણે આગળ પાછળ હલાવીને રૂઆબભેર ચાલનારા મનુષ્યો લાચાર બનીને ગળામાં ખાડામાં મુઠીઓ ખોંસી માત્ર પગના સહારે ચાલવા મજબૂર બને છે.
માનવપ્રજાતિ ઉપર આટ આટલા જુલમ કરનારી આ ભયંકર ઋતુને શ્રેષ્ઠ ઋતુ કઈ રીતે કહી શકાય? પણ તેમ છતાં સમાજના શિયાળુ પ્રેમી સદસ્યો તો એના ફાયદાઓ વિશે અવનવી ગાથાઓ રચી આપણા જેવા નિર્દોષ, ભોળા અને અણસમજુ નાગરિકોને ગેરમાર્ગે દોરી સલાહ આપ્યે જ રાખશે. સવારે ઉઠતાં વેંત ગોળ અને ચણા ખાવાનો આગ્રહ કરશે. સવારે નરણે કોઠે મૂઠો ભરીને ચણા ખાવાથી તમે માણસ મટીને ઘોડો બની જશો તેવી લાલચો આપશે. ઘોડો થવાની લાલસામાં જો તમે ફસાયા તો સમજી લેજો કે, તમારુ મૃત્યુ નિશ્વિત છે. તમારી મુર્ખાઈથી ઉત્સાહિત થઈને પેલા જૂથો બીજો મહાભયાનક પ્રયોગ કરવા માટે તમને ઉશ્કેરશે.
એ તાલીબાની માનસ ધરાવતા જૂથો તમને શિયાળમાં વહેલી સવારે ઠંડા પાણી વડે સ્નાન કરવાની સલાહો આપશે. ‘પહેલા બે ત્રણ ડબલાં શરીરને સ્પર્શ કરે ત્યારે જરાક ઠંડી લાગશે પણ એ પછી બે-ત્રણ કલાક સુધી શિતલ જળ વડે ન્હાયે જ રાખવાની તમને ઈચ્છા થઈ આવશે…’ એવા એવા સુંદર અને કાવ્યત્મક વર્ણનો કરશે. અરે! ત્યાં સુધી કે, મહિલાઓ માતા બનવાની હોય ત્યારે જ ખાસ હેતુસર બનાવવામાં આવતી કાટલા જેવી વાનગીઓ પેટમાં પધરાવવા પણ તમને ઉશ્કેરશે. તમે સ્વેટર શાલ કે ટોપી પહેર્યા હશે તો તમારી મર્દાનગી ઉપર શંકા કરશે. તમે જાણે કે આ વિશ્વના સૌથી નમાલા, તુચ્છ અને પામર મનુષ્ય છો તેવું ઠસાવી તે હૂંફાળા વસ્ત્રોને ફગાવી દેવાની તમને સલાહ આપશે. ગુજરાતીઓ બંધુઓ અને નાજુક ભગીનીઓ! ચેતી જજો, આ એકપણ સલાહ માનવા જેવી નથી. આપણે ઘોડો થઈને શું કાંદો કાઢી લેવો છે ? હણહણાટી કરવાનો મોહ ત્યજો. આપણે ઘોડો થશું તો ઘોડા ક્યાં જશે? અને આપણે કદાચ ઘોડો થઈ પણ જઈએ તો પણ ક્યાં પાછળ ગાડી બાંધીને છોકરાઓને ફેરવવાના છે? યાદરાખો! તમને માણસમાંથી ઘોડો બનાવવા નિકળી પડેલા આ જૂથોને તમે ભૂલે ચૂકેય તમારા હિતેચ્છુ માનતા નહીં. એ તો તમારા જાની દુશ્મનો છે. તમે વહેલાસર ગુજરી જાઓ એજ એમનું આખરી ધ્યેય છે. પૃથ્વી ઉપરની તમારી હાજરી એ લોકોને આંખના કણાની માફક ખૂંચે છે.
અખબારોની અવસાન નોંધોમાં તમારું નામ વાંચવા માટે એમની ખૂની આંખો તરસી રહી છે. તમારા ઉઠમણાંમાં પહેરવા માટેના સફેદ ઝભ્ભા-લેંઘાને એમણે ઈસ્ત્રી પણ કરાવી રાખી છે. છોડો, આપણે માણસ જ સારા છીએ, ઘોડા-બોડા થવાની લ્હાયમાં મહામહેનતે મળેલો આ અમૂલ્ય માનવદેહ ગુમાવવો ન પડે તે ધ્યાન રાખજો. શિયાળુ પ્રેમી ઘાતક જૂથોની એક પણ સલાહ માનશો તો તમારો પવિત્ર આત્મા દેહ છોડીને ઉડી જવા માટે ઉતાવળો થવા લાગશે. કસરતો કરવાની’ય જરૂર નથી. કસરતો કરીને પૃથ્વીના પટ ઉપર કોઈ નેપોલિયન બોનાપાર્ટ થયું નથી. અત્યારે છે એ જ અવસ્થામાં અવયવોને સાચવી રાખવાના ધ્યેયને જ વળગી રહો. શિયાળામાં ઠંડા પાણીએ તો શું, ગરમ પાણીએ પણ બને ત્યાં સુધી નહાવું નહીં તેવું આયુંવેદમાં કોઇક જગ્યાએ લખ્યું છે. શિયાળામાં નહાવું જ જોઈએ તેવું એકપણ શાસ્ત્રમાં લખ્યું નથી. તમારે સંકોચ રાખવાની જરૂર નથી. અડધુ ગામ એમને એમ જ નીકળી પડ્યું હોય છે. સ્નાન-બ્નાનના ધખારા છોડો. આપણે ચડ્ડી-બનિયાનો પહેરવાની પણ જરૂર નથી.
ઉનાળો એના માટે જ છે. ત્યારે ફરજો અરધા ઉઘાડા, કોઈ ના નહીં પાડે. અત્યારે તો હૂંફાળા શાલ-સ્વેટરો અને ઓવરકોટોમાં ઢબુરાઈ જવું. માથે મફલરે’ય બાંધવું. શિયાળાનો બિર્ફલો વાયુ આપણા શરીરમાં પ્રવેશવાની ઝનૂની આક્રમતા ધરાવતો હોય છે. એટલે એ બાહ્ય વાયુના શરીર પ્રવેશને અટકાવવા શરીરના લાગતા વળગતા તમામ પ્રવેશદ્વારો પર કડક સુરક્ષા બંદોબસ્ત કરવો. અડદિયા વગેરે ખાવા પણ હંમેશા એ યાદ રાખવું કે, ખાવાનું આપણા હાથમાં છે પણ એને પચાવવાનો અધિકાર ઇશ્વરે જઠર, હોજરી, આંતરડા વગેરેને આપ્યો છે. એ અંગો અને અવયવોની મર્યાદાને માન આપીને આરોગ્યવર્ધક વસાણાઓ પેટમાં ઠાલવવા. ગીતામાં લખ્યું છે કે, ચેતતો નર સદા સુખી. મહાભારતમાં વેદ વ્યાસજીએ કહ્યું છે કે સમય સાચવી લે એ જ સાચો સિકંદર. શાકુંતલમાં કવિ કાલીદાસે ભાખ્યું હતું કે દુ:ખના દા’ડા ચાર દિનના. આ બધા અમૃત વચનોને અપનાવી, શિયાળાને સુખે દુ:ખે પાર કરી દેવો અને પછી ઉનાળો આવે ત્યારે ચડ્ડી બરમુડા ઠઠાડીને હણહણતા ઘોડાની જેમ નિકળી પડજોને રેસકોર્સ રિંગ રોડ પર મોર્નિંગ વોક માટે…!