વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં શરૂઆતમાં કેટલું રોકાણ કર્યું ? વાંચો
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફર્યા છે. ડિસેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં એફપીઆઈએ ભારતીય શેરબજારોમાં ચોખ્ખું રૂ. 22,766 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ નવેમ્બરમાં એફપીઆઈએ ભારતીય બજારમાંથી રૂ. 21,612 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 94,017 કરોડનો જંગી ઉપાડ કર્યો હતો. ઓક્ટોબરના ઉપાડના આંકડા સૌથી ખરાબ હતા.
રસપ્રદ તથ્ય એ છે કે સપ્ટેમ્બરમાં એફપીઆઈ નાણાપ્રવાહ રૂ. 57,724 કરોડની નવ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. આ વિદેશી રોકાણકારોના રોકાણના વલણમાં અસ્થિરતા દર્શાવે છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, 2024માં અત્યાર સુધીમાં શેર્સમાં એફપીઆઇ રોકાણ તાજા પ્રવાહ સાથે રૂ. 7,747 કરોડ થયું છે.
હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડિરેક્ટર, મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “આગળ જતાં, ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ ઘણા મુખ્ય પરિબળો પર નિર્ભર રહેશે. આમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે અમલમાં મૂકાયેલી નીતિઓ, વર્તમાન ફુગાવો અને વ્યાજ દરની સ્થિતિ અને ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે આ સિવાય ભારતીય કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને આર્થિક વૃદ્ધિના મોરચે દેશની પ્રગતિ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.