જનસંખ્યા મુજબ નવા સીમાંકન મુદ્દે ભાજપ અને ટીડીપીમાં તડાં
લોકસભામાં ટીડીપીના સાંસદે વિરોધ નોંધાવ્યો: દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાય થવાની ભીતિ વ્યક્ત કરી
જન સંખ્યા ના આધાર પર સંસદીય મતવિસ્તારોનું નવું સીમાંકન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો ભાજપના સાથી પક્ષ ટીડીપીએ વિરોધ કર્યો હતો. લોકસભામાં ટીડીપીના સાંસદ લવુ શ્રીકૃષ્ણ દેવરાયલુએ તેમના પક્ષનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે જનસંખ્યાના આધાર પર સીમાંકન કરવાથી દેશના સંઘીય માળખા માટે નુકસાન થશે. આ નવા સીમાંકનને કારણે દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાય થવાની ભીતિ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે નવા સીમાંકનને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની લોકસભાની બેઠકો 169 થી વધીને 324 થઈ જશે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો આંધ્ર,તેલંગણા, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકની બેઠકો 129 થી વધીને 164 થશે. એટલે કે ચાર હિન્દીભાષી રાજ્યોની બેઠકોમાં 155 ના વધારા સામે દક્ષિણ ભારતની પાંચ રાજ્યની માત્ર 35 બેઠકો જ વધશે. તેમણે જે રાજ્યોની વસ્તીમાં ઘટાડો થયો હોય તેને પણ નવા સીમાંકનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે સીમાંકન કાનૂન અંતર્ગત 2026 ની લોકસભાની ચૂંટણીમાં લોકસભાની વર્તમાન બેઠકોમાં ફેરફાર નહીં કરવામાં આવે. 2017માં વસ્તી ગણતરી થયા બાદ નવા સન્માન કરની પ્રક્રિયા શરૂ થવાની ધારણા છે.