ગૃહમંત્રીના આદેશ બાદ રાજકોટ સહિત રાજ્યની પોલીસ દ્વારા ટપોરીઓ, આવારાતત્ત્વોના
વરઘોડા’ કાઢવામાં આવી રહ્યા છે ત્યારે `વરઘોડા’ની સાથે હવે રાજકોટ પોલીસ દ્વારા રસ્સાખેંચ, બેડમિન્ટન, ફૂટબોલ સહિતની રમતોમાં હાથ અજમાવાયો હતો.
શહેર પોલીસ દ્વારા ચોથા વાર્ષિક રમતોત્સવ અંતર્ગત ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-૧, ડીસીપી ઝોન-૨, ડીસીપી પોલીસ હેડક્વાર્ટર એમ ચાર ટીમ પાડવામાં આવી હતી જેમાં ૪૫૦ જેટલા ખેલાડીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ખેલાડીઓ દ્વારા અલગ-અલગ રમત રમવામાં આવી હતી. રસ્સાખેંચની રમતમાં ડીસીપી ઝોન-૧ સામે ડીસીપી ક્રાઈમ, બીજી મેચમાં ડીસીપી ઝોન-૨ સામે ડીસીપી પોલીસ હેડક્વાર્ટર, ફૂટબોલમાં ડીસીપી ઝોન-૨ સામે ડીસીપી પોલીસ હેડ ક્વાર્ટર, ડીસીપી ક્રાઈમ સામે ડીસીપી ઝોન-૧, મહિલા બાસ્કેટબોલમાં ડીસીપી ક્રાઈમ અને ડીસીપી પોલીસ હેડક્વાર્ટર વિજેતા બન્યા હતા.
આ ઉપરાંત બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કબડ્ડી, વોલીબોલ સહિતની રમતો પણ રમાઈ હતી. આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરાયું હતું. આ તકે તેમણે સંબોધન કરતાં જણાવ્યું કે પોલીસની નોકરીમાં સતત વ્યસ્ત રહેવા છતાં ખેલાડીઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે જે સારી બાબત છે.