બ્રિસ્બેન ટેસ્ટ: પ્રથમ દિવસે ફેંકાયા માત્ર 80 બોલ, ભારે વરસાદને કારણે પહેલો દિવસ ધોવાઈ ગયો
ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ત્રીજો ટેસ્ટ મુકાબલો બ્રિસ્બેનના ગાબામાં શરૂ થયો હતો પરંતુ વરસાદને કારણે પ્રથમ દિવસની રમત ૮૦ બોલ બાદ ધોવાઈ ગઈ હતી. મેચમાં રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ પ્રથમ દિવસે વરસાદે તાંડવ મચાવ્યું હતું. રમતના અંત સુધીમાં ઑસ્ટે્રલિયાએ ૧૩.૨ ઓવરમાં વિનાવિકેટે ૨૮ રન બનાવ્યા હતા.
ક્રિઝ પર નાથન મૈકસ્વિની (અણનમ ૪ રન) અને ઉસ્માન ખ્વાજા (અણનમ ૧૯ રન) બેટિંગ કરી રહ્યા હતા. આમ તો ૫.૩ ઓવર બાદ વરસાદ પડ્યો હતો. આ પછી તે ધીમો પડતાં ફરી મેચ શરૂ કરાઈ હતી. જો કે ૧૩.૨ ઓવર બાદ ભારે વરસાદ શરૂ થઈ જતાં પ્રથમ દિવસની રમત પૂર્ણ જાહેર કરાઈ હતી.
હવે કાલે ટેસ્ટનો બીજો દિવસ સવારે ૫:૨૦ વાગ્યાથી (ભારતીય સમય પ્રમાણે) શરૂ થશે અને કાલે ૯૮ ઓવરની રમત રમાશે. આ ગ્રાઉન્ડ પર ભારતને એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી-૨૦૨૧માં મળી હતી. એ મેચમાં ભારત ત્રણ વિકેટે જીત્યું હતું. આ સિવાય અહીં ભારતને પાંચ મેચમાં હાર તો એક મેચ ડ્રો રહી હતી.