અમેરિકામાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ અંગે સંસદમાં શું જવાબ અપાયો ? જુઓ
અમેરિકા ભારતને પોતાનું મિત્ર દેશ વારંવાર કહે છે પણ તેનું આચરણ તો દુશ્મન જેવુ રહ્યું છે. કેન્દ્ર સરકારે એવી માહિતી આપી છે કે અમેરિકાએ છેલ્લા ઘણા સમયથી ભારતના મોસ્ટ વોન્ટેડ એવા ખૂંખાર અપરાધીઓ અને આતંકીઓને આશરો આપેલો છે. આ સમસ્યા ઘણા લાંબા સમયથી રહી છે. એમની સોંપણી ભારતને થતી નથી. મુંબઈ આતંકી હુમલાના આરોપી પણ અમેરિકામાં છે.
અમેરિકા હવે માફિયાઓ અને અપરાધીઓ માટે સલામત હબ બની રહ્યું છે અને આશ્રયસ્થાન બની રહ્યું છે. લોકસભામાં ગૃહ ખાતાના રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ અંગેની માહિતી આપી હતી અને કહ્યું હતું કે આતંકીઓ અને અપરાધીઓ વિદેશોમાં છે એમને ભારત લાવવા માટે સરકાર મહેનત કરી રહી છે. અમેરિકા પાસે પણ ભારતે આ મુજબની માંગણી કરેલી છે.
આંકડાકીય માહિતી આપતા એમણે કહ્યું હતું કે ભારતે અત્યાર સુધીમાં કૂલ 178 ભાગેડુ માફિયા અને આતંકીઓની પ્રત્યાર્પણ કરવાની માંગણી કરી છે. આ પૈકીનાં 65 અપરાધીઓએ અમેરિકામાં શરણ લીધી છે અને અમેરિકા જવાબ આપતું નથી.
આ લિસ્ટમાં અમેરિકામાં શરણ લઈને રહેતા મુંબાઇ બોમ્બ ધડાકાના આરોપી આતંકી તહવૂર રાણા અને ડેવિડ હેડલીનો પણ સમાવેશ થાય છે. આ બંને ભારતીય એજન્સીઓના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ટોપ પર રહ્યા છે. આમ છતાં અમેરિકા દ્વારા એમની સોંપણી થતી નથી.
અમેરિકા સાથે 1997માં સંધિ થઈ ફક્ત 11 આરોપી સોંપ્યા છે
મંત્રીએ એવી માહિતી પણ આપી હતી કે અમેરિકા સાથે ભારતે 1997 માં જ પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આમ છતાં આતંકીઓની સોંપણી પણ કરવામાં આવતી નાહતી. ભારતે અત્યાર સુધીમાં 12 દેશો સાથે આ મુજબની સંધિ કરેલી છે. આશ્ચર્યની વાત તો એ છે કે મુંબઈ પરના આતંકી હુમલાના વોન્ટેડ આતંકીઓની સોંપણી પણ અમેરિકા કરતું નથી. અણમોલ બિશનોઈ જેવા માફિયા પણ વોન્ટેડ છે. આમ અમેરિકા 65 ખૂંખાર અપરાધી અને આતંકીઓ ભારતને સોંપતું નથી.