વિશ્વનો સૌથી હિંસક તહેવાર એટલે નેપાળનો ‘ગધીમાઈ ઉત્સવ’ જેમાં અપાઈ છે હજારો પશુઓનું બલિદાન, જાણો શું છે તેના પાછળની કથા
ગધીમાઈ ઉત્સવ એ નેપાળના બરિયારપુર ગામમાં દર પાંચ વર્ષે યોજાતી એક ઘટના છે. આ તહેવાર દેવી ગાધીમાઈના માનમાં ઉજવવામાં આવે છે, જે તેમના ભક્તો માટે સમૃદ્ધિ અને રક્ષણ લાવે છે તેવું માનવામાં આવે છે. જો કે, આ તહેવાર વિવાદાસ્પદ છે કારણ કે ભેંસ, બકરા, મરઘી, કબૂતર અને ઉંદરો સહિત હજારો પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે.
મોટા પાયે પ્રાણીઓની હત્યાને કારણે તેને ઘણીવાર “લોહિયાળ તહેવાર” કહેવામાં આવે છે. જ્યારે ઘણા ભક્તો તેમની ધાર્મિક માન્યતાઓને પૂર્ણ કરવા માટે ભાગ લે છે, ત્યારે વિશ્વભરના એનિમલ રાઈટ એક્ટીવીસ્ટસ આ પ્રથાનો વિરોધ કરે છે.
ગધીમાઈ ઉત્સવની ઉત્પત્તિ
તહેવારનો ઈતિહાસ 1759 થી શર થાય છે જ્યારે ગાધીમાઈ મંદિરના સ્થાપક ભગવાન ચૌધરીએ એક સ્વપ્ન જોયું હતું જેમાં દેવી ગધીમાઈએ તેમને લોહીના બદલામાં જેલમાંથી મુક્તિ અને સમૃદ્ધિનું વચન આપ્યું હતું. શરૂઆતમાં, દેવીએ માનવ બલિદાન માંગ્યું, પરંતુ ચૌધરીએ તેના બદલે એક પ્રાણીનું બલિદાન આપ્યું. ત્યારથી સામૂહિક પશુ બલિની પરંપરા ચાલી આવે છે. ભક્તો માને છે કે પ્રાણીઓના બલિદાનથી દુષ્ટ તત્વો દૂર થાય છે અને સૌભાગ્યપ્રાપ્તિ થાય છે.
પશુ બલિદાન
અગાઉના વર્ષોમાં, તહેવાર દરમિયાન 5,00,000 થી વધુ પ્રાણીઓની હત્યા કરવામાં આવી હતી. વિરોધ અને જાગૃતિ અભિયાનોને કારણે સમય જતાં આ સંખ્યામાં ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે, તાજેતરના વર્ષોમાં, હજારો ભેંસ સહિત લગભગ 2,50,000 પ્રાણીઓનું બલિદાન આપવામાં આવ્યું હતું.
હત્યાની પ્રક્રિયા બહુ ક્રૂર હોય છે કારણ કે તેમાં કતારબંધ ઉભેલા પ્રાણીઓની એકસાથે હત્યા કરવામાં આવતી હોય છે. જેના કારણે તે વિસ્તાર લોહીથી ભરાઈ જાય છે.
હિંસક ઉત્સવનો વિરોધ
વિશ્વભરના પ્રાણી અધિકાર જૂથોએ તહેવારની નિંદા કરી છે અને તેને ક્રૂર, હિંસક અને બિનઆરોગ્યપ્રદ ગણાવ્યો છે.
દુનિયાના મોટા ભાગમાં લોકો સામૂહિક કતલને અસંસ્કારી અને બિનજરૂરી ગણે છે. પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર ન થવો જોઈએ. પ્રાણીઓના લોહી અને પ્રવાહીનું મિશ્રણ રોગો માટે સંવર્ધન સ્થળ બની શકે છે. બલિદાનના સાક્ષી બનતા બાળકો અને અન્ય લોકો માનસિક આઘાત અનુભવી શકે છે.
PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) અને હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ (HSI) જેવી સંસ્થાઓએ નેપાળ સરકારને આ પ્રથા બંધ કરવા વિનંતી કરી છે. 2014 માં, ભારતની સુપ્રીમ કોર્ટે તહેવાર માટે ભારતમાંથી નેપાળમાં પ્રાણીઓના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભક્તો તરફથી મિશ્ર પ્રતિસાદ
ઘણા ભક્તો પશુ બલિદાનને તેમની સંસ્કૃતિ અને ધર્મનો અભિન્ન અંગ માને છે. તેમના માટે આ એક પરંપરા છે જે પેઢીઓથી ચાલી આવે છે. કેટલાક એવી દલીલ કરે છે કે સમગ્ર નેપાળમાં વિવિધ ધાર્મિક વિધિઓમાં પશુઓનું બલિદાન આપવામાં આવે છે પણ ખાસ આ જ વિશિષ્ટ તહેવાર માટે અમારે વૈશ્વિક ટીકાનો સામનો કરવાનો થાય છે તે અયોગ્ય લાગે છે.
બલિદાન ઘટાડવાના પ્રયાસો
2015 માં, મંદિર સત્તાવાળાઓએ જાહેરાત કરી કે તહેવાર “રક્ત મુક્ત” બનશે. જો કે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કે મંદિર પોતે બલિદાન કરશે નહીં, પરંતુ જે ભક્તો પ્રાણીઓ લાવશે તેમને પાછા મોકલવામાં આવશે નહીં. કાર્યકર્તાઓ અને ભૂતપૂર્વ ભારતીય મંત્રીઓના પત્રો સહિત આ પ્રથાને રોકવાના પ્રયાસો છતાં, ગધીમાઈ ઉત્સવમાં પ્રાણીઓની હિંસા હજુ સુધી તો ચાલુ જ છે.
ગધીમાઈ ઉત્સવમાં પશુની બલિનું સાતત્ય તેના સહભાગીઓની ઊંડી શ્રદ્ધા દર્શાવે છે. જ્યારે દુનિયાના ઘણા ડાહ્ય માણસો આ પ્રથાને રોકવા માટે કમર કસી રહ્યા છે ત્યારે સત્ય હકીકત તો એ છે કે અંધશ્રદ્ધાળુ લોકોની આવી માન્યતાઓ રાતોરાત બદલવી મુશ્કેલ છે.