સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-૧માં કર્મચારીઓએ બોગસ દસ્તાવેજો બનાવ્યા !!!
૧૯૭૦ની સાલ આસપાસના ૧૦ દસ્તાવેજોમાં ચેડા કરાયા: કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી જયદિપ ઝાલા
સહીત ૭ લોકોને ઉઠાવી પૂછતાછ કરાઇ: પોલીસને નકલી સ્ટેમ્પ, હાર્ડ ડિસ્ક અને રોકડ મળી
જુની કલેક્ટર કચેરી પાસે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧માં વર્ષો ૧૯૭૦ની સાલ આસપાસના દસ્તાવેજોમાં છેડછાડ કરી ચેડા કરી કૌભાંડ આચરવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે.જેથી પોલીસે શંકાને આધારે આ કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટર સહીત સાતથી વધુ લોકોને ઉઠાવી લઇ પુછતાછ કરી હતી. શકમંદને પોલીસ પુછતાછ માટે લાવતાં તેની પાસેથી ૧૮૦ એમએલનું દારૂનું ચપલુ અને ટુવ્હીલરની ડેકીમાંથી રોકડ રકમ મળી આવતાં તેની પુછતાછ શરૂ થઇ હતી.
વિગત મુજબ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧માં જુના દસ્તાવેજો સાથે ચેડા થઇ રહ્યાની શંકા ઉપજતાં એક અરજદારે કલેક્ટર તંત્રને અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન પોલીસે શંકાના આધારે ઝોન-૧ કચેરીના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી જયદિપ શાંતિલાલ ઝાલા (ઉ.વ.૪૦-રહે. કોઠારીયા રોડ ખોડિયાર કૃપા સોસાયટી)ને પુછતાછ માટે શોધવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન આ શખ્સ પ્ર.નગર પોલીસ સ્ટેશન પાસેથી નીકળતાં તેને ટુવ્હીલર નં. જીજે૦૩જેએન-૩૨૧૩ સાથે પોલીસ સ્ટેશનના પાર્કિગમાં લઇ જવાયો હતો. તેની તલાસી લેતાં તેની પાસેથી દારૂનું એક ચપલુ મળી આવ્યું હતું. તેમજ તેના વાહનની ડેકી ચેક કરતાં તેમાંથી રૂા. ૧,૧૭,૦૦૦ની રોકડ પણ મળી આવતાં પોલીસે દારૂનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ પુછતાછ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,બોગસ દસ્તાવેજ કૌભાંડમાં જયદીપ ઝાલા નામના સબ રજીસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી લઈ તપાસનો ધમધમાટ આદર્યો હતો.પકડાયેલ શંકાસ્પદ શખ્સની પુછતાછમાં તેને વટાણા વેરી નાંખ્યા હતા.તેને બોગસ દસ્તાવેજનું કૌભાંડબિલખા પ્લાઝાના એક ફલેટમાં આચર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બિલખા પ્લાઝામાં દરોડો પાડી ફલેટમાંથી બોગસ દસ્તાવેજો, કચેરીના સિકકા સહિતનો મુદામાલ કબ્જે કર્યા હતા.અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી જયદિપ ઝાલા સહીતના ખાતા ચેક કરતાં તેમાં અનેક વહેવારો પણ મળી આવ્યા હતા.જેથી આ મામલે પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતે વિશેષ તપાસ કરી ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.