દિલ્હીની ચુંટણી અંગે કેજરીવાલે શું જાહેરાત કરી ? વાંચો
દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ બુધવારે મોટી જાહેરાત કરી હતી. આપના સંયોજક કેજરીવાલે બુધવારે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી.
અગાઉ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની અફવા ઉડી હતી
અગાઉ જાણકારી મળી હતી કે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન માટે સમજૂતી અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય ઈન્ડિયા ગઠબંધન સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે. પરંતુ હવે આપએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે.
ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે ઇન્ડિયાના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ પછી જ બુધવારે કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટી એ સોમવારે તેના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ પહેલા આપએ તેના 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.