માલિકે ફેક્ટરી વેચ્યાંના સુથી પેટે આવેલા રોકડ રૂપિયા ઓફિસના કબાટમાં રાખ્યા હતા : રાત્રિના ડ્રાઈવર રિક્ષામાં બેસી આવ્યો અને સિક્યુરિટી ગાર્ડને ‘શેઠનું પાર્સલ લેવાનું છે’ કહી પૈસા ચોરી ગયો : બે માસ સુધીમાં પૈસા પરત ન આપતા થોરાળા પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં વધુ એક ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં આજી જી.આઇ.ડી.સી. ૮૦ ફુટ રોડ ખાતે રૂષી એકસપોર્ટ પ્રાઈવેટ લીમીટેડ નામના કારખાનામાં માલિકના ડ્રાઇવરે ઓફિસના કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 15 લાખ ચોરી જતાં થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે. ડ્રાઈવર રાત્રિના રિક્ષા ચાલક સાથે આવ્યો હતો. અને પોતે શેઠનું પાર્સલ લેવા આવ્યો છે.તેમ કહી ઓફિસમાં જાઈ કબાટમાં રાખેલ રોકડ ચોરી કરી ભાગી ગયો હતો.પરિવારે બે માસમાં પૈસા ચૂકવી દેશે તેવું કહ્યું હતું પરંતુ ન ચૂકવતા ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ રાજકોટમાં નીર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે પારસ સોસાયટી શેરી નં.૦૨, મકાન નં. ૩૦ -એમાં રહેતા અને આજી જી.આઇ.ડી.સી. ૮૦ ફુટ રોડ ખાતે રૂષી એકસપોર્ટ પ્રાઈવેટ લીમીટેડ નામનું કારખાનું ધરાવતા ધ્રુવ હરીશકુમાર દવે (ઉ.વ.૪૧)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેને ત્યાં ડ્રાઈવર તરીકે કામ કામ કરતાં નથુ ઉર્ફે કાનો ભીમાભાઈ ભરવાડ (રહે.સોમનાથ સોસાયટી-2, રૈયા રોડ)અને અન્ય એક અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓના રૂષી એકસપોર્ટ પ્રાઈવેટ લીમીટેડ નામના કારખાનામાં ડિઝલ એન્જીન પંપ બનાવવાનું કામ કરવામાં આવે છે.ગત તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ તેઓ અને તેમના પિતા એમ બંન્ને જણા કારખાને હતા અને પિતાએ કારખાનાના સેડમાં પડેલ લોખંડના કબાટમાં ફેક્ટરી વેચ્યાના સુથી પેટે આવેલા રૂપીયા ૧૫,૦૦,૦૦૦ તેમાં રાખેલા હતા અને ઘરે રૂપીયાની જરૂરીયાત હોય જેથી પિતાએ આ લોખંડનો કબાટ ખોલી તેમાં જોતા રૂપીયા જોવા મળ્યા ન હતા.
જેથી પિતાએ આ બાબતે તેઓને પુછતા તેને જણાવ્યું હતું કે, મે આ રૂપીયા લીધેલ નથી. બાદ તેઓએ કારખાનામાં ચેક કરતા કોઇ જગ્યાએ રૂપીયા મળી આવેલ ન હતા. જેથી આ બાબતે ડ્રાઇવર નથુ ઉર્ફે કાનો ભરવાડને પૂછવાનું હતું પરંતુ તે ચાર-પાંચ દિવસ કારખાને આવ્યો જ ન હતો. જેથી આ બાબતે કારખાનામા સીકયુરીટી તરીકે નોકરી કરતા કેશુભાઈ ચાવડા ને પુછતા તેઓએ જણાવેલ હતુ કે, તા.ર૦/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના નવેક વાગ્યે નથુ ઉર્ફે કાનો ભરવાડ તથા તેની સાથે એક માણસ એક રીક્ષા લઇને આવેલ હતા અને જણાવેલ હતુ કે, શેઠે અમોને એક પાર્સલ લેવાનુ જણાવેલ છે એમ કહી તે કારખાનામાં અંદર ગયો હતો. જેથી કાનાને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. જેથી તેના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યો ન હતો. અને પરિવારજનોએ આ પૈસા કાનો બે માસમાં આપી દેશે તેવું કહ્યું હતું પરંતુ સમયસર કાનાએ પૈસા ન આપતા તેના વિરુદ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાનાની શોધખોળ શરૂ કરી છે.