કોઠારીયા રોડ ઉપર રિધમ વડાપાવમાં વાસી બ્રેડ અને સોસનો નાશ કરાયો, સ્થળ ઉપર જ 50 નમૂના ચેક કરાયા
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ વિભાગની ટીમે કોઠારીયા રોડ, રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડ ઉપર સપાટો બોલાવી વાસી વડાપાઉંની બ્રેડ અને સોસનો નાશ કરવાની સાથે સાંભાર, ચટણી અને હાથલાના ડોડાના શરબતના નમૂના મેળવી ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા ઉપરાંત સર્વેલન્સ ચેકીંગ દરમિયાન સ્થળ ઉપર જ 50 નમૂના ચેક કરી 10 ધંધાર્થીઓને લાયસન્સ મેળવી લેવા તાકીદ કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્વાતી બગીચા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ “રિધમ વડાપાઉં” પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય સોસ તથા પાઉં નો અંદાજીત 06 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ “રાધે શ્યામ પાણિપુરી” તથા “શ્રધ્ધા અમેરિકન” પેઢીની તપાસ કરતા બંને પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.આ ઉપરાંત સાધુવાસવાણી રોડ ઉપર આવેલ “દેવી મદ્રાસ કાફે” પેઢીની તપાસ કરતા લાઇસન્સ મેળવવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા આપી રૈયા રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટી શેરી નં.4, અમૃતધારા, રૈયા રોડ,ઉપર “આયુષ એન્ટરપ્રાઇઝ” પેઢીની તપાસ કરતા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમૂલ સર્કલ થી હુન્ડાઇ શો-રૂમ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 50 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.સાથે જ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ દેવી મદ્રાસ કાફેમાં સંભાર (લુઝ), ટામેટો ચટણી (લુઝ) તેમજ આયુષ એન્ટરપ્રાઈઝમાંથી ફિંડલા વેલનેશ સરબત એટલે કે હાથલાના ડોડવાના જ્યૂસના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.