ફાયર વિભાગની 247ની ભરતી માટે 824 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાઈ
રાજકોટ મનપાની સૌથી મોટી ભરતી માટેની પ્રેક્ટિકલ ટેસ્ટ પૂર્ણ થઈ : કુલ 2147 અરજીઓ આવી હતી
રાજકોટ મનપાનાં ફાયર વિભાગમાં 247 ફાયર ઓપરેટરની ભરતી માટે 2147 અરજીઓ આવી હતી. આ તમામ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન તા. 4થી 8 ડિસેમ્બર એમ પાંચ દિવસ સુધી કરવામાં આવ્યું હતું. ગઇકાલ છેલ્લા દિવસ સુધીમાં કુલ 824 ઉમેદવારોની સ્વિમિંગ, ડીપ ડ્રાઇવિંગ, રસા ચડવા, દોડવાની તેમજ ડ્રાઇવિંગ સહિતની કસોટીઓ લેવામાં આવી હતી.
વિગત મુજબ, ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનાં ઇતિહાસની સૌથી મોટી 450 જેટલા ઉમેદવારોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 247 ફાયર ઓપરેટરોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવતા મનપાને કુલ 2147 અરજી મળી હતી. ગત તારીખ 4 ડિસેમ્બરથી આ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ખાતે લેવામાં આવી રહી હતી. ગઇકાલ છેલ્લા દિવસે પણ 150 કરતા વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પૈકી સારો દેખાવ કરનારા 247 ઉમેદવારોને મનપા ફાયર વિભાગમાં ઓપરેટર તરીકે નિમણૂક આપવામાં આવશે. ત્યાર બાદ અન્ય પોસ્ટ માટેની ભરતીઓ કરવામાં આવશે.
આ મામલે મનપાના ડે.કમિશનર સ્વપ્નિલ ખેરનાં જણાવ્યા મુજબ ફાયર વિભાગને વધુ મજબૂત કરવાં માટે ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાંચ દિવસ દરમિયાન કુલ 824 ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મનપાના અલગ અલગ વિભાગના 50 જેટલા સ્ટાફ અને સીસીટીવી કેમેરા વડે ભરતીનું નિરીક્ષણ કરાયું હતું. તેમજ તમામ ઉમેદવારોની સ્વિમિંગ, ડીપ ડ્રાઇવિંગ, રસા ચડવાની ઉપરાંત દોડવા સહિતની કસોટી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હાલ સાત ફાયર સ્ટેશન અને એક ઇમરજન્સી રિસ્પોન્સ સેલ કાર્યરત છે. આગામી સમયમાં વોર્ડ વાઇઝ ફાયર સ્ટેશન ઉભું કરવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે.