રાજકોટ : સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સોની બજારની હાલત, ઝવેરીઓમાં કચવાટ
- દુનિયાની સૌથી મોટી ઘરેણાંની માર્કેટ ગણાતી સોની બજારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તળિયે,બિહાર જેવા દ્રશ્યો તો છાશવારે બની રહ્યા હોવાની ફરિયાદ
- લુખ્ખાઓનો આંતક,ધાક ધમકી, હપ્તાખોરીના દૂષણ બજારની પ્રતિષ્ઠામાં લાવી રહ્યા ઝાખપ: મહાજન સંસ્થાઓનું મૌન..!!
રાજકોટ
એશિયામાં સૌથી મોટી ઘરેણાની માર્કેટ ગણાતી રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરને સરાજાહેરમાં રીક્ષા ચાલકે છરીના ઘા ઝીકી દીધાની ઘટનાથી ઝવેરીઓ અને કારીગરોમાં ભય સાથે કચવાટ ફેલાઈ ગયો છે. પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં પકડીને જાહેરમાં સરભરા કરીને પાઠ તો ભણાવી દીધો, પોલીસ તંત્રની કામગીરીથી સોની વેપારીઓમાં રાહત થઈ છે પણ ઘોળે દિવસે આવો બનાવ બન્યા બાદ પણ મહાજનોની સંસ્થાનું હજુ સુધી મૌન ન તૂટતા સોની વેપારીઓ નારાજ છે.
સમગ્ર વિશ્વમાં સોની બજાર મોટી શાખ ધરાવે છે. સોની બજાર નો ઇતિહાસ પણ સોનેરી રહ્યો છે.અનેકતામાં એકતાનું સોની બજાર પૂરું પાડી રહ્યું છે કારણકે ગુજરાતી વેપારીઓ સાથે અહીં બંગાળ, ઉત્તર પ્રદેશના કારીગરો અને વેપારીઓ એક સાથે મળીને કામ કરે છે, ઘણી વખત પરપ્રાંતીય કારીગરો વેપારીઓનું સોનુ લઈને છનન થઈ જવાની ઘટના બનતી હોય છે. આ બજારમાં સાત હજારથી વધુ દુકાનો અને 10,000 થી વધુ વેપારીઓ વર્ષોથી કામ કરે છે, આજની તારીખે ચાર ચાર પેઢી સોની બજારમાં ધંધા સાથે સંકળાયેલી છે.
ભૌગોલિક અને ઘાટની દ્રષ્ટિએ પણ સૌથી મોટી બજાર ગણાતી સોની બજારમાં છેલ્લા ઘણા સમયથી ‘નજર’લાગી હોય એમ છાશવારે માથાકૂટ, ઝઘડા અને દંગલ તેમજ લુખ્ખાઓનો આંતક જેવા બનાવો બનતા રહે છે જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેમ સોનિબજારની શાંતિમાં ભંગ પડ્યો છે ત્યારે વેપારી મહાજનોની સંસ્થાઓએ કેમ મૌન સેવી લીધું છે તેવા સવાલો ઝવેરીઓમાંથી ઉભા થયા છે.
ખુરશીપ્રેમી અને મોભાદાર’મહાજનો’ મૌન..!!
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ ચેમ્બર સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગઈકાલે જે ઘટના બની ત્યારે રાજકોટના બદલે બિહારના ડરામણા દ્રશ્યો સોની બજારમાં જોવા મળ્યા હતા આ ઘટનાના બે દિવસ બાદ પણ વેપારી મંડળના સમર્થનમાં મહાજન સંસ્થાના હોદ્દેદારો ફરક્યા પણ ન હતા. વધુમાં રોષ ઠાલવતા તેમને કહ્યું કે, સોની બજારમાં ઝવેરીઓ પોતાનો ધંધો લઈને બેઠા છે અને બહારના રાજ્યોમાંથી હજારો કારીગરો રોજી રોટી માટે અહીં આવતા હોય છે ત્યારે ઘણા સમયથી હપ્તાખોરી, ધાક ધમકી આપીને પૈસા પડાવવા, લુખ્ખાઓ આંતક મચાવે છે ત્યારે સોની બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો અને વેપારીઓની સલામતી કામે સવાલો ઉભા થયા છે એમ છતાં પણ વેપારીઓની મદદ કરવાના બદલે ચેમ્બરના હોદ્દેદારો સરકારની વાહ વાહ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. એ ભૂલી ગયા છે કે વેપારીઓ ના સમર્થનથી જ આ મહાજન સંસ્થા ચાલે છે.
સોની બજારમાં નાઈટ પેટ્રોલિંગ માટે ઝવેરીઓની માંગણી
ભૂતકાળમાં સોની બજારમાંથી આંતકવાદીઓ ઝડપાયા ત્યારે નાઈટ પેટ્રોલિંગ થોડા સમય માટે કરવામાં આવ્યું હતું હવે એ પેટ્રોલિંગ થતું નથી જો નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે તો રાતના સમયે બનતી ઘટનાઓને અટકાવી શકાય, ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે આ ઉપરાંત થોડા સમયથી મોબાઈલ ફેરવી લેતી ગેંગે પણ ઉધામો લીધો છે. સોની બજારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી સાથે નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવા સોની વેપારીઓએ માંગણી કરી છે.