મવડીના ચોકોડેન કેકમાંથી 60 કિલો બેકાર આઈસ્ક્રીમ મળ્યો, નિર્મલા રોડ પર દેવી મદ્રાસ કાફેમાં બેફામ ગંદકી
હનુમાન મઢી ચોકમાં આવેલા મુરલીધર ફરસાણમાં 13 કિલો દાઝીયા તેલનો નાશઃ ખાણીપીણીના 18 ધંધાર્થીમાંથી 11 પાસે લાયસન્સ જ ન મળ્યું
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવેલા ફૂડ ચેકિંગમાં ક્યાંક બેફામ ગંદકી તો ક્યાંક બેકાર આઈસ્ક્રીમ સહિતના ખાદ્યપદાર્થ મળી આવતાં તાત્કાલિક તેનો નાશ કરવામાં આવ્યો હતો. મવડી બાયપાસ પાસે ખોડિયાર ઈન્ડસ્ટ્રીયલ શેરી નં.6માં આવેલા ચોકોડેન કેક એન્ડ સ્વીટમાંથી 60 કિલો એક્સપાયર થયેલો આઈસ્ક્રીમ, ફૂગવાળા કૂકીઝ, 15 કિલો ખરાબ થયેલો સોસ, ખાઈ શકાય નહીં તેવી હાલતમાં જામ, ક્રશ, સીરપ અને ક્રિમ સહિતનો 85 કિલો જથ્થો મળી આવતાં તેને નાટિસ ફટકારાઈ હતી. આવી જ રીતે હનુમાન મઢી ચોક પાસે મુરલીધર ફરસાણમાંથી 13 કિલો દાઝીયું તેલ મળી આવ્યું હતું તો જે.કે.ચોકમાં પ્રજાપતિ ખીચડી સેન્ટરને ચોખ્ખાઈ જાળવવા બાબતની નોટિસ ફયકારાઈ હતી. આવી જ રીતે નિર્મલા સ્કૂલ સામે ઓમ પ્લાનેટ કોમ્પ્યુટર પાસે આવેલા દેવી મદ્રાસ કાફેનું ચેકિંગ કરવામાં આવતાં ત્યાં બેફામ ગંદકી મળી હતી. આ ઉપરાંત અહીંથી સંભાર (લુઝ)નો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.
ફૂડ શાખા દ્વારા આજી ડેમ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી રોનક ચાઈનીઝ પંજાબી, ફેમસ દાળ પકવાન, શિવમ દાળ પકવાન, સ્વામીનારાયણ દાળ પકવાન, વિશાલ દાળ પકવાન, શ્રી ભગવતી ફરસાણ, પટેલ ફરસાણ, ગણેશ વડાપાંઉ, બાલાજી ફાસ્ટ ફૂડ, શિવશંકર, જય સીયારામ, આનંદ બટેટા, શિવ દાળ પકવાન, આનંદ દાળ પકવાન, કનૈયા પૂરીશાક, બાલાજી ફરસાણ, આઈ મોગલ ફૂડ ઝોન તેમજ ધોરાજી ભૂંગળા-બટેટાને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં અમુક સ્થળેથી અખાદ્ય પદાર્થો મળી આવતાં તેનો નાશ કરાયો હતો તો અન્ય ધંધાર્થીઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા તાકિદ કરાઈ હતી. એકંદરે ખાણીપીણીના કુલ 18માંથી 11 લોકો પાસે લાયસન્સ જ ન હોવાનું ખુલ્યું હતું. જ્યારે સાત સ્થળેથી મીક્સ દૂધ, ચણા દાળ, હાથી રાજગરાનો લોટ સહિતના નમૂના પણ લેવામાં આવ્યા હતા.