રાજકોટ જિલ્લામાં બે મહિનામાં 34 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુદા-જુદા કારણોસર લાયસન્સ કેન્સલ કરાયા
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 34 મેડિકલ સ્ટોરના કુલ મળી 67 લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધુ રાજકોટ શહેર-તાલુકાના 26 મેડિકલના 53 લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં હાલમાં 54667 મેડિકલ સ્ટોર્સને કુલ મળી 1,22,496 લાયસન્સ આપવામાં આવ્યા છે જેમાં રીન્યુઅલ સહિતની નિરંતર ચાલતી કામગીરીમાં રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર-2024થી લઈ ડિસેમ્બર 2024 દરમિયાન કુલ મળી 34 મેડિકલ સ્ટોર્સના 67 લાયસન્સ અલગ -અલગ કારણોસર કેન્સલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કેન્સલ કરવાંની કાર્યવાહીમાં રાજકોટ શહેર-તાલુકામાં 26 મેડિકલના 53, જસદણમાં 1 મેડિકલ સ્ટોરના 2, જેતપુરમાં 1 મેડિકલના બે લાયસન્સ, કોટડા સંગની તાલુકામાં 5 મેડિકલ સ્ટોરના 8 અને પડધરીમાં 1 મેડિકલ સ્ટોરના 2 લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ 2024-25માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સમક્ષ રિટેઇલ લાઇસન્સ માટે 2807 અરજીઓ ડિસેમ્બર માસ સુધીમાં આવી હતી જે પૈકી 2756 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ડિસેમ્બર 6 સુધીમાં હોલસેલ લાયસન્સ માટે 1974 અરજીઓ આવી હતી જેમાં 1921 અરજીઓ મંજુર કરવામાં આવી હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.