ખેડૂતોએ ક્યાં શું તોફાન કર્યું ? શું થયું શંભુ બોર્ડર પર ? વાંચો
શુક્રવારે ફરીવાર પંજાબ-હરિયાણા સીમાની શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘમાંસાન થયું હતું. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે નીકળ્યા હતા અને પોલીસે એમને રોકી દીધા હતા. રસ્તા બ્લોક કરી દેવાયા હતા અને બેરિકેડ લગાવી દેવાઈ હતી. અંતે કૂચ સ્થગિત થઈ હતી અને કેન્દ્રને ખેડૂત નેતાઓએ ચર્ચા માટે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.
ખેડૂતોએ બેરીકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે ટીયર ગેસ તથા સ્પ્રેનો ઉપયોગ કરીને ખેડૂતોને રોકી દીધા હતા. કિસાન નેતા પંડહેર દ્વારા એવો આરોપ મુકાયો હતો કે પોલીસની કાર્યવાહીમાં 15 ખેડૂતો ઘાયલ થયા હતા ને કેટલાકને હોસ્પિટલ ખસેડાયા છે.
ત્યારબાદ ખેડૂત નેતાઓએ દિલ્હી કૂચ સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરીને ખેડૂતોને પાછા બોલાવી લીધા હતા. સાથે કેન્દ્ર સરકારને વાતચીત કરવા માટે સમય આપ્યો હતો અને કહ્યું હતું કે જો વાતચીત નહીં થાય તો અમે 8 તારીખથી ફરી દિલ્હી તરફ કૂચ શરૂ કરશું.
ખેડૂત નેતાઓએ એમ કહ્યું હતું કે અમે કૃષિ મંત્રી સાથે વાતચીત કરવા માંગીએ છીએ. કેન્દ્ર સાથે વાત કરવા માટે આંદોલન મુલતવી રાખ્યું છે. આમ શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ વાતચીત માટે આપ્યા હતા. જો કોઈ હલ નહીં નીકળે તો ફરી આંદોલન શરૂ કરી દેવાશે.