9 વર્ષની હતભાગી બાળકીને મળ્યો સૌથી ઝડપી ન્યાય : સગીરાનો દેહ પીંખીને મોતને ઘાટ ઉતારનારને 2 માસમાં જ મોતની સજા
દેશમાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે બાદ પોલીસ કાર્યવાહી કરે છે અને લાંબી તપાસ ચાલતી હોય છે. ઘણીવાર તો આરોપીનું મૃત્યુ થયા બાદ તેને સજા સંભળાવવામાં આવે છે ત્યારે એક ઘટના હાલ પશ્ચિમ બંગાળમાં સામે આવી છે જેમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને હત્યા કરવાના ગુનામાં આરોપીને બે માસમાં જ મોતની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા પણ ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે જે બાબતે મુખ્યમંત્રી દ્વારા પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના પશ્ચિમ બંગાળની છે જ્યાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં માત્ર 61 દિવસમાં ન્યાય મળ્યો. પશ્ચિમ બંગાળની બરુઈપુર કોર્ટે ગયા ઓક્ટોબરમાં સગીર બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ગઈ કાલે દોષિત ઠરેલા યુવકને મૃત્યુદંડની સજા સંભળાવી છે. બરુઇપુર પોક્સો કોર્ટે 4 ઓક્ટોબરે દક્ષિણ 24 પરગણા જિલ્લાના જયનગરમાં બનેલી 9 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં 19 વર્ષીય મુસ્તાકિન સરદારને દોષિત ઠેરવ્યો હતો.
માત્ર અઢી કલાકમાં આરોપીની ધરપકડ
પીડિત છોકરીના પરિવાર તરફથી ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ પશ્ચિમ બંગાળ પોલીસે તપાસ શરૂ કરી અને માત્ર અઢી કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી. બરુઈપુર પોલીસે માત્ર 25 દિવસમાં તપાસ પૂરી કરીને એક દાખલો બેસાડ્યો છે. 30 ઓક્ટોબરે POCSO કોર્ટમાં સંપૂર્ણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
36 સાક્ષીઓની જુબાની
ચાર્જશીટ બાદ આ કેસની સુનાવણી 4 નવેમ્બરે બરુઈપુર પોક્સો કોર્ટમાં શરૂ થઈ હતી અને 26 નવેમ્બરે સુનાવણી પૂરી થઈ હતી. સુનાવણી દરમિયાન કુલ 36 સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી હતી. રાજ્ય તપાસ એજન્સી વતી રાજ્યના વકીલ બિવાસ ચેટર્જીએ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ગુનો સાબિત કરવા માટે તમામ વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવા રજૂ કર્યા હતા.
અંતે ગુરૂવારે આરોપી મુસ્તાકીન સરદારને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને સજા માટે શુક્રવારની તારીખ નક્કી કરવામાં આવી હતી. ન્યાયાધીશ સુબ્રત ચેટર્જીએ તેને મૃત્યુદંડની સજા સંભળાવી.
યુવતી 4 ઓક્ટોબરે ગુમ થઈ ગઈ હતી
આરજી કાર બળાત્કાર અને હત્યા કેસને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે 9 વર્ષની સગીર બાળકી પર બળાત્કાર અને હત્યાનો આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર બંગાળમાં ખળભળાટ મચી ગયો હતો. નવ વર્ષીય વિદ્યાર્થી 4 ઓક્ટોબરની સાંજે જયનગરના કોચિંગ સેન્ટરમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે ગુમ થઈ હતી.
તેના પરિવારજનોએ જયનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 5 ઓક્ટોબરના રોજ લગભગ 12:30 વાગ્યે FIR નોંધવામાં આવી હતી. તપાસ શરૂ કર્યા પછી, પોલીસને સ્થાનિક સ્ત્રોતો અને એક પ્રત્યક્ષદર્શી પાસેથી શંકાસ્પદ વિશે સંકેતો મળ્યા. સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે તેને લગભગ 2.45 વાગ્યે પકડી લીધો હતો.
9 વાગ્યા સુધી કોર્ટ ચાલુ રહી હતી
પૂછપરછ દરમિયાન, અટકાયત કરાયેલા આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને પોલીસને તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેણે પીડિતાના મૃતદેહને ફેંકી દીધો હતો. નોંધાયેલા નિવેદનના આધારે, તે રાત્રે 9 વર્ષની પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.