રિઝર્વ બેન્કે મોનિટરી પોલિસીમાં શું જાહેર કર્યું ? વાંચો
રિઝર્વ બેંકએ શુક્રવારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. ગવર્નર શક્તિકાંત દાસે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી હાલમાં આ લિમિટ 1.6 લાખ રૂપિયા છે. વધતી મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લીધો છે. મોનિટરી પોલિસીની જાહેરાત કરીને 11 મી વાર બેન્કે રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખીને ઈએમઆઈમાં કોઈ રાહત આપી નહતી.
જો કે રિઝર્વ બેન્કે દેશની બેન્કોને મોટી લાઈફ લાઇન આપી હતી અને સીઆરઆરમાં ઘટાડો કરીને બેન્કોને રૂપિયા 1.16 લાખ કરોડનો ફલો આપી દીધો હતો. વ્યાપારી બેન્કોને આ પગલાંથી ખૂબ જ લાભ થશે. સાથે મોંઘવારી અંગે શક્તિકાન્ત દાસે ચિંતા વ્યક્ત કરી હતી.
મોનેટરી પોલિસી કમિટી વિશે માહિતી આપતા ગવર્નર દાસે જણાવ્યું હતું કે, “ફૂગાવા અને ખેતીમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને, ગેરંટી-મુક્ત કૃષિ લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને રૂ. 2 લાખ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોનો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે. નોંધનીય છે કે 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં, 2019 માં, તે વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
જીડીપી વૃદ્ધિ અંદાજમાં ઘટાડો
સીઆરઆર હેઠળ, વ્યાપારી બેંકોએ તેમની થાપણોનો ચોક્કસ હિસ્સો કેન્દ્રીય બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવાનો હોય છે. આ સાથે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારીનો અંદાજ પણ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.