ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા: રાજકોટ જિલ્લાની 1500 શાળાઓ વચ્ચે એક DEO..એ પણ કાયમી નહિ ‘ઇન્ચાર્જ’
શહેર અને ગ્રામ્ય માટે બે ડી.ઇ.ઓ.ની વર્ષ 2017 માં મંજૂરી મળી ગઈ હોવા છતાં પણ હજુ સુધી અલગ કચેરી છે ડીઇઓ મળ્યા નથી: રાજકોટ શૈક્ષણિક સંઘ સમિતિએ બે ડી.ઇ.ઓ.કચેરી માટે મોરચો માંડ્યો, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો
રાજકોટ શહેર અને જિલ્લાની 1500 જેટલી જ શાળાઓ વચ્ચે એક માત્ર જિલ્લા શિક્ષણ અધિકારી એ પણ ઇન્ચાર્જ હોવાના લીધે શૈક્ષણિક કામગીરી ફોરવાઈ રહી છે. આઠ મહિનાથી મહેકમ મંજૂર થઈ ગયું હોવા છતાં હજુ સુધી ગ્રામ્ય વિસ્તારની શાળાઓને અલગથી ડી.ઇ.ઓ.નથી મળ્યા જેના માટે હવે રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ મેદાનમાં આવ્યુ છે.
સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખી તાત્કાલિક ધોરણે રાજકોટ શહેર અને ગ્રામ્યને બે ડી.ઇ.ઓ ફાળવવા જણાવ્યું છે.
સંઘ દ્વારા કરાયેલી રજૂઆતમાં વર્ષ 2017માં જ શહેર અને ગ્રામ્ય માટે અલગ અલગ ડી.ઇ.ઓ પાડવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી હતી. પણ આ જાહેરાતનો સૂર શુરુ થઈ ગયું છે અને હજુ સુધી અમલવારી થઈ નથી. અમદાવાદ અને સુરતમાં અલગ અલગ ડીઇઓ ફાળવવામાં આવ્યા છે પરંતુ રાજકોટ હજુ સુધી બાકાત છે.
આઠ મહિના પહેલા મહેકમ મંજુર પણ થઈ ચૂક્યું છે તેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય માટે અલગ જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણુક થવાની હતી પણ તે ટલ્લે ચડી ગઈ છે, બે વર્ષથી કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ નિમણૂક થઈ નથી. રાજકોટ જીલ્લો સૌરાષ્ટ્ર માટે શિક્ષણનું પાટનગર ગણાય છે સૌરાષ્ટ્રમાંથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે હાલમાં કાર્યરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળ સરકારી માધ્યમિક સ્કૂલ, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ, સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલ અને સ્વનિર્ભર પ્રાથમિક સ્કૂલ, અધ્યાપન મંદિર, જેતપુર અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ સહિત 1500 જેટલી સ્કૂલો કાર્યરત છે.
ઘણી સ્કૂલોના 10-10 વર્ષથી ઇન્સ્પેક્શન અટક્યા છે…!!
જિલ્લા શિક્ષણ અધિકારીનો કાર્યભાર અને તેમાં પણ ઇન્ચાર્જ અધિકારી હોવાના લીધે ઘણી શાળાઓમાં છેલ્લા દસ વર્ષથી વાર્ષિક ઇન્સ્પેક્શન પણ થયા નથી તેમ જ કર્મચારીના પગાર અને પેન્શન ના પ્રશ્નો પણ અટકેલા પડ્યા છે. શિક્ષણ વિભાગની ઉદાસીન નીતિના લીધે રાજકોટ જિલ્લાની શૈક્ષણિક કામગીરી અભેરાઈ પર ચડી ગઈ છે તેવો આક્ષેપ પર સંઘના સભ્યોએ કરતા કહ્યું હતું કે જ્યાં સુધી બે જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ આ મુજબ જ રહેશે.
ઉપલેટા અને જેતપુરમાં આર.ટી.ઇ.હેઠળની કરોડોની રકમ પણ ચૂકવાઇ નથી
ખાડે ગયેલા શૈક્ષણિક વહીવટને પગલે ઉપલેટા અને જેતપુરમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓને હજુ સુધી કરોડો રૂપિયાની રકમ પણ ચૂકવાઇ નથી. શિક્ષણ વિભાગ દ્રષ્ટિ વિહીન પરિસ્થિતિમાં હોય તે મુજબ યોગ્ય સંકલન પણ થતું નથી. આથી રાજકોટ શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ભૂતકાળમાં મંજૂર થયેલ મહેકમ અનુસાર શિક્ષણના હિતમાં શહેર અને જિલ્લાની કચેરીઓની જુદી પાડીને બે જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે