રાજકોટ એરપોર્ટના વોશરૂમમાં અઢી લાખનું ડાયમંડ બ્રેસલેટ પડી ગયું..!!!
ને સી.આઈ.એસ.એફ.ને હાથે લાગ્યું, ચોટીલા દર્શન કરવા આવેલી મુંબઈની મહિલા પેસેન્જર સુધી પહોંચાડી પ્રામાણિકતાનું દ્રષ્ટાંત આપતી સી.આઈ.એસ.એફ.ની ટીમ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુંબઈથી આવેલા મહિલા પેસેન્જરનું રીયલ ડાયમંડનું બ્રેસલેટ વોશરૂમમાં ભૂલીને જતાં રહ્યા હતા.જે સી.આઈ.એસ.એફ.ની ટીમને મળતાં તેઓએ સાચવીને રાખી આ પેસેન્જરને શોધીને તેમના સુધી પહોંચાડી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ અંગેની વિગત મુજબ બુધવારે સવારે એર ઇન્ડિયા ની ફ્લાઈટમાં મુંબઈથી દીપા તન્ના નામના પેસેન્જર તેમના પરિવારજનો સાથે ચોટીલા દર્શન માટે આવ્યા હતા. આ સમયે તેઓ વોશરૂમ ગયા ત્યારે તેમણે હાથમાં પહેરેલું અઢી લાખનું રીયલ ડાયમંડ નું બ્રેસલેટ પડી ગયું હતું જેની તેમને જાણ ન હતી.
એરપોર્ટમાંથી ચેકઆઉટ કરીને તેઓ ચોટીલા તરફ જતા રહ્યા હતા. આ વાતથી તેઓ અજાણ હતા, વોશરૂમમાં પડી ગયેલું બ્રેસલેટ સી.આઈ.એસ.એફના મહિલા કર્મીના હાથમાં આવતા તેઓએ તુરંત જ અધિકારીઓને જાણ કરીને એરપોર્ટના લો એન્ડ ફાઈન્ડ યુનિટમાં જમા કરાવી દીધું હતું.
આ દરમિયાન મુંબઈના આ મહિલા પેસેન્જરને આ વાત ધ્યાનમાં આવી કે તેમના હાથમાંથી બ્રેસલેટ ગાયબ થઈ ગયું છે. આ બ્રેસલેટ ક્યાં પડ્યું તે અંગે તેઓ અજાણ હતા, જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમણે મે આઈ હેલ્પ યુ ડેસ્કનો સંપર્ક કરતા તેમની ટીમ, એર ઇન્ડિયાની ટીમ અને સી.એ.એસ.એફની ટીમે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી તેમનો આ બ્રેસલેટ મહિલા પેસેન્જર સુધી પહોંચાડતા તેઓ ખુશીથી ગદગદ થઈ ગયા હતા.તેમજ રાજકોટ એરપોર્ટ પર કાર્યરત સી.આઈ.એસ.એફ.ની ટીમનો આભાર માન્યો હતો.