દેશભરમાં વેપારીઓ માટે કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો
કેન્દ્ર સરકાર વ્યાપારમાં સુગમતા લાવવા માટે અને ગ્રાહક સુરક્ષા વધારવા માટે ટૂક સમયમાં જ ઇ-મેપ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે . સરકાર દેશભરમાં આ સુવિધા આપવા માટે બેઠકો કરી રહી છે અને બેઠકોના દૌર ચાલી રહ્યા છે તેમ બહાર આવ્યું છે.
આ પોર્ટલથી દેશભરમાં વ્યાપારીઓ અને નાના વેપારીઓનું એક જ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થઈ જશે અને અલગ અલગ રાજ્યોમાં આ કાર્યવાહી બંધ થશે. આ સિસ્ટમ સમાપ્ત કરીને સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકીકૃત કરવા જઈ રહી છે અને તેના ઘણા ફાયદા વેપારીઓ અને ગ્રાહકોને પણ મળશે.
સરકારના સૂત્રોએ મીડિયાને આ માહિતી આપીને કહ્યું હતું કે આ સિસ્ટમથી વેપારમાં વધુ સરળતા રહેશે અને વેપારમાં વધુ પારદર્શિતા આવશે. એ જે રીતે ગ્રાહકોને પણ પૂરતો સંતોષ મળશે. સરકારને પણ કામગીરીમાં ઘણી સરળતા મળશે.
અત્યારે રાજ્ય સરકારો પેકેજવાળી ચીજોના રજીસ્ટ્રેશન અને લાયસન્સ કાઢવા તથા અન્ય પ્રકારની કામગીરી કરવા માટે અલગ અલગ પોર્ટલનો ઉપયોગ કરે છે અને તેને હવે બંધ કરી દેવાશે અને એક જ પોર્ટલ પર આ કામગીરી થશે.
સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરી દેવાઈ છે અને બેઠકો ચાલી રહી છે. કાનૂની સલાહ પણ લેવાઈ રહી છે અને મંત્રાલય દ્વારા દરેક વર્ગ સાથે બેઠકો કરીને અભિપ્રાય લેવાઈ રહ્યા છે.