મી દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ…
૨૦૧૯માં જયારે મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવાયા ત્યારે કહ્યુ હતુ કે, મેં સમંદર હું, લૌટકર ફિર આઉંગા….: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદના શપથ લેશે
વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી રાજ્યપાલ પાસે કર્યો સરકાર રચવાનો દાવો
સાંજે ૫-૩૦ વાગ્યે વડાપ્રધાનની હાજરીમાં મહાયુતિ સરકારની ભવ્ય શપથવિધિ
ફડણવીસ-શિંદે અને અજીત પવારે કહ્યુ, કોઈ કન્ફયુઝન નથી,અમે ત્રણેય નેતાઓ એક જ છીએ
ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. બુધવારે વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ ફડણવીસે એકનાથ શિંદે અને અજીત પવાર સાથે રાજ્યપાલ પાસે પહોંચીને સરકાર રચવાનો દાવો કર્યો હતો અને રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ પણ આપ્યું હતુ. ગુરુવારે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન સહિતના અનેક નેતાઓની ઉપસ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લેશે. આ ઘટનાક્રમની સાથે જ મહારાષ્ટ્રમાં ચાલી રહેલું અટકળોનું માર્કેટ ઠંડુ થઇ ગયુ છે. આ પૂર્વે સવારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક કેન્દ્રીય નિરીક્ષકો નિર્મલા સીતારામન અને વિજય રૂપાણીની હાજ્રીમા મળી હતી અને તેમાં સર્વસંમતીથી દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાક્રમ પછી મુંબઈમાં બેઠકોનો દૌર સતત ચાલુ રહ્યો હતો અને મંત્રીપદ માટે મથામણ ચાલુ રહી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ૨૦ થી ૨૨, શિવસેનાનાં ૧૨ અને એન.સી.પી.નાં ૧૦ ધારાસભ્યો મંત્રી બની શકે છે. બુધવારે આખો દિવસ
રાજ્યપાલ તરફથી સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ફડણવીસે કહ્યુ હતું કે, અમે ત્રણેય પક્ષોએ સાથે મળીને મહારાષ્ટ્રમાં ખુબ કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશુ. ત્રણેય પક્ષના નેતાઓ શપથ લેશે. શપથ સમારોહમાં વડાપ્રધાન ઉપરાંત પક્ષ પ્રમુખ જે.પી. નડા, ગૃહમંત્રી અમિત શાહ, રામદાસ આઠવલે સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ હતુ કે, હું મુખ્યમંત્રી બની રહેલા ફડણવીસને અભિનંદન આપું છું. અમે મહારાષ્ટ્રને સારી સરકાર આપશું. મારું અને મારા પક્ષનું પૂરું સમર્થન છે અને ત્રણેય નેતાઓ એક છીએ. અમારા વચ્ચે કોઈ કન્ફયુઝન નથી. અમે એક ટીમની જેમ કામ કરશું. ઈતિહાસમાં આટલી મોટી જીત ક્યારેય કોઈને મળી નથી.
નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આ પ્રસંગે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પ્રજાએ અમને ફરી વખત સેવા કરવાની તક આપી છે અને અમે પ્રદેશના વિકાસમાં પાછી પાની નહી કરીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું ગુરુવારે શપથ લેવાનો છું.
ફડણવીસે શું કહ્યુ
મહારાષ્ટ્રનાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ ચૂંટણી ઘણી ઐતિહાસિક હતી. આ ચૂંટણીએ આપણી સામે એક વાત મૂકી છે તે છે ‘એક હૈ તો સેઈફહૈ’ અને ‘મોદી હૈ તે મુમકીન હૈ’. મોદીજીના નેતૃત્વમાં જીતનો સિલસિલો લોકસભા બાદ હરિયાણાથી શરૂ થયો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સાથી પક્ષોનો આભાર કે જેઓ હૃદયપૂર્વક આપણી સાથે છે.જે સંવિધાન દ્વારા આપણે ચૂંટાયા છીએ તે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મોદીજી હંમેશા કહે છે કે મારા માટે કોઈપણ ધર્મગ્રંથ કરતાં ભારતનું બંધારણ વધુ મહત્વનું છે. જનતાએ મોટો જનાદેશ આપ્યો છે, તે જનાદેશનું સન્માન કરીએ તે જરૂરી છે.
સંભવિત મંત્રીઓ
ભાજપ અને શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદી સામે આવી છે. કોંકણમાંથી ભાજપના નીતિશ રાણે, રવિન્દ્ર ચવ્હાણ, ગણેશ નાઈકને મંત્રી પદ આપવામાં આવી શકે છે. આ સાથે જ મુંબઈથી ભાજપના મંગલપ્રભાત લોઢા, આશિષ શેલાર, રાહુલ નાર્વેકર, અતુલ ભાતખલકરના નામની ચર્ચા થઈ રહી છે. આ સાથે શિવસેનાના 7 નેતાઓના નામ સંભવિત મંત્રીઓની યાદીમાં છે, જેમાં પાર્ટીના પ્રમુખ એકનાથ શિંદે, દાદા ભુસે અને અન્ય ઘણા મહત્વપૂર્ણ નેતાઓના નામ છે.