રાજકોટમાં આવારા અને લુખ્ખા તત્વો પર લગામ લગાવો : કુર્મી સેનાએ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું
રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીને બેહાલ થઈ હોય તેમ સરેરાશ દર પાંચ દિવસે હત્યા, લુખ્ખાઓ દ્રારા ખુની હુમલા કરીને લુંટ ચલાવી, સરાજાહેર હિંસક હુમલા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે આ પ્રકારના આવારા અને લુખ્ખા તત્વો પર લગામ લગાવી તેમની સામે કડક પગલાં લેવાની માંગ સાથે કુર્મીસેના દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરને સંબોધીને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે,રાજકોટની શાંત શહેરની ઓળખને ગુનાખોરીના કારણે ગ્રહણ લાગ્યું છે. દિવાળી પર્વ બાદ એક માસ દરમિયાન છ-છ હત્યા થઈ છે. કોઈપણ જગ્યાએ છરી જેવા હથીયાર કાઢીને લુખ્ખાઓ મારામારી કરે છે. વ્યાજખોરી વધી છે.ત્યારે તાજેતરમાં નજીવી બાબતે પાટીદાર યુવાન હાર્મિશ ગજેરાની છરી ઝીંકી હત્યા કરવામાં આવી. આ શખસ ગુનાહીત માનસ ધરાવે છે અને અવારનવાર ગુનો કરવાની ટેવ વાળો છે. આવા ગુનેગારોને લગામ કસવામાં માટે પોલીસ દ્રારા મજબુત ચાર્જશીટ કરી સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે. આ રજુઆતમાં સૈનાના અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા, મહામંત્રી ચિરાગ કાકડીયા અને અન્ય હોદ્દેદારો જોડાયા હતા.