હે રામ! હવે કૃષ્ણ ભગવાનની જ્ઞાતિ મુદ્દે ધાર્મિક લાગણી ભડકાવવાનો હીન પ્રયાસ
મથુરાના નંદગાંવની બજાર અને કેટલાક મકાનોની દીવાલો પર શ્રી કૃષ્ણ ભગવાનને જાટ જ્ઞાતિના ગણાવતું લખાણ લખવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.નગરપાલિકાએ તાબડતોબ પગલાં લઈ આ ભડકામણું લખાણ દૂર કર્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નંદગાંવનું કૃષ્ણ ભકતોમાં અનેરું મહત્વ છે.કંસથી રક્ષણ કરવા માટે યશોદા મૈયા અને નંદ બાવા બાલ કૃષ્ણને નંદગાંવ માં લઇ આવ્યા હોવાની માન્યતા છે.એ પવિત્ર નગરીની દીવાલો પર ‘ નંદગાંવનો ઇતિહાસ ‘ શીર્ષક હેઠળ યદુવંશી કૃષ્ણ ભગવાન જાટ જ્ઞાતિના હોવાના લખાણો નજરે પડતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.એ બાબતે વિરોધ પ્રદર્શન થયા બાદ લખાણો ભૂંસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એ લખાણ નીચે કંવર સિંઘ નામની વ્યક્તિનું નામ અને ફોન નંબર પણ લખેલા હતા.જો કે એ નંબર કાં તો નો રીપ્લાય થતો રહ્યો હતો અથવા તો બંધ આવતો હતો.
પોલીસે એ કથિત કંવર સિંઘ સામે કૃષ્ણ ભગવાન અંગે ખોટી માહિતી ફેલાવવાનો તેમ જ ધાર્મિક લાગણી દુભવવાનો કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.