પુરુષોને પણ માસિક રક્ત સ્ત્રાવ થતો હોત તો ખબર પડેત: સર્વોચ્ચ અદાલત
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઇકોર્ટની આકરી ઝાટકણી કાઢી
બિનકાર્યક્ષમતા બદલ છ મહિના જજોની હકાલપટ્ટીના કેસમાં સર્વોચ્ચ અદાલતની અસામાન્ય ટીપ્પણી
મધ્યપ્રદેશમાં બિનકાર્યક્ષમતાના નામે છ મહિલા જજોની સેવા સમાપ્ત કરવાના કેસમાં સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મહિલાઓ શારીરિક અને માનસિક વ્યથા સહન કરતી હોય છે. જો પુરુષોને પણ માસિક સ્ત્રાવ આવે તો જ એ તકલીફોની ખબર પડે.
સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે મધ્યપ્રદેશ સરકારની એડમિનિસ્ટ્રેટિવ કમિટી તેમજ ફુલ હાઇકોર્ટ બેંચે જુન 2023 માં છ મહિલા જજોની ધીમી કામગીરી કરવા બદલ હકાલપટ્ટી કરી હતી. એ ઘટના અંગે સર્વોચ્ચ અદાલતે સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ બી વાય નાગરથા તથા જસ્ટિસ એન કોતીસ્વર સિંઘની બેન્ચે 23 જુલાઈ 2024 ના રોજ છ મહિલા ન્યાયાધીશોની સેવા સમાપ્ત કરવાના નિર્ણયની પુનઃવિચારણા કરવા અને ચાર મહિનામાં તે અંગેનો નિર્ણય લેવા મધ્યપ્રદેશ હાઇકોર્ટને નિર્દેશ કર્યો હતો. જો કે તે પછી પણ નિર્ણય ન લેવાતાં સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ બી વાય નાગરથાએ કહ્યું કે અમે ઈચ્છીએ કે પુરુષોને પણ માસિક રક્તસ્ત્રાવ થાય જેથી તેમને ખબર પડે.
તેમણે કહ્યું કે કેટલા કેસનો નિકાસ કર્યો તે કાર્યક્ષમતાનું માપદંડ ન બની શકે. એ માપદંડ જો પુરુષ ન્યાયાધીશો અને ન્યાયતંત્રના અધિકારીઓ માટે પણ લાગુ કરવામાં આવે તો શું થશે તેવો સવાલ તેમણે કર્યો હતો. આ કેસની વધુ ચલાવણી 12 મી ડિસેમ્બરે થશે.