બાળકોનો કોન્ટ્રાક્ટ કિલિંગ માટે ઉપયોગ કરી રહેલી ગેંગસ્ટર ગેંગ !! જાણો શા માટે ગેંગ બાળકોને નિશાન બનાવે છે ??
યુરોપનો સ્વીડન દેશ કટોકટીનો સામનો કરી રહ્યું છે કારણ કે ત્યાંની અમુક ગેંગ સ્ટરની ગેંગ વધુને વધુ બાળકોની ભરતી કરી રહી છે. 11 વર્ષના બાળકોને કોન્ટ્રાક્ટમાં રાખીને હત્યાઓ કરાવવામાં આવે છે. આ બધી ગેંગ્સ દેશની કાયદાકીય વ્યવસ્થામાં છટકબારીઓનો લાભ લે છે, કારણ કે ગુનાહિત જવાબદારીની ઉંમર 15 વર્ષની છે. 15 વર્ષથી નીચેના બાળકો માઇનરમાં આવે છે અને તેને બહુ સજા થઈ શકતી નથી.
બાળકોની ભરતી કેવી રીતે થાય છે?
– ગેંગ એવા મધ્યસ્થીઓનો ઉપયોગ કરે છે જેઓ ટેલિગ્રામ, સ્નેપચેટ અને સિગ્નલ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ દ્વારા બાળકોનો સંપર્ક કરે છે.
– આ વચેટિયાઓ બાળકોને ગુનામાં આકર્ષવા માટે પૈસા, આકર્ષક કપડાં અને ટ્રાન્સપોર્ટેશન પણ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે, તેઓ હત્યા માટે લગભગ 13,000 ડોલરની લલચામણી ઓફર કરે છે.
– કેટલાક બાળકો તેમના પડોશમાં જ ગુનો આચરવા તૈયાર થઈ જાય છે.
એક ઉદાહરણ જોઈએ તો એક કેસમાં ફર્નાન્ડો નામનો 14 વર્ષનો છોકરો સામેલ છે. વિડિયો ગેમ રમતા રમતા તેને એક મેસેજ મળ્યો જેમાં આકર્ષક વળતરના બદલામાં હત્યા કરવાનો આદેશ હતો. તેને પિસ્તોલ અને રાઈફલ સહિતના હથિયારો એકત્રિત કરવા એક ઠેકાણું અપાયું. પછી જેનું ખૂન કરવાનું હતું તેના ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું. હત્યા કર્યા પછી, તેને સાફસૂફી કરવાની અને જાણે કશું જ થયું ન હોય તેવું વર્તન કરવાની સૂચના આપવામાં આવી હતી.
શા માટે ગેંગ બાળકોને નિશાન બનાવે છે?
– નાની ઉમર: 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કાર્યવાહી કરી શકાતી નથી, તેથી ગેંગસ્ટરને તેનામાં ઓછું જોખમ દેખાય છે.
– મજબૂરીનો ફાયદો: ભરતી કરાયેલા મોટાભાગના બાળકો ગરીબ અથવા ઇમિગ્રન્ટ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને ઘણીવાર કોઈને કોઈ તકલીફમાં મુકાયેલા હોય છે.
– મેનીપ્યુલેશન: ગુનેગારો હિંસાને ગ્લેમરાઇઝ કરે છે અને સોશિયલ મીડિયા અને આકર્ષક જીવનશૈલી દ્વારા બાળકોને રોમાંચક લાઇફની લાલચ આપીને લોભાવે છે.
ચિંતાજનક પરિસ્થિતિ
- 2023 માં, સ્વીડનમાં ગોળીબારથી 53 મૃત્યુ નોંધાયા હતા, જેમાં ઘણા નિર્દોષ પીડિતો સામેલ હતા.
- 2024 ના પ્રથમ આઠ મહિનામાં, સ્વીડિશ પ્રોસિક્યુટર્સે બાળ શકમંદોને સંડોવતા 102 હત્યાના કેસ દાખલ કર્યા, જે પાછલા વર્ષ કરતા ઘણા વધુ છે.
સોશિયલ મીડિયાની ભૂમિકા
- બાળકોની શૂટર તરીકેની ‘ભરતી’ ઘણીવાર વોટ્સએપ ગ્રુપ ચેટ્સ દ્વારા થાય છે. ગ્રુપના નામ હોય છે – બોમ્બિંગ ટુડે અને શૂટ સમવન ઇન સ્ટોકહોમ.
- ગુનાહિત પ્રવૃતિને ગ્લોરીફાય કરવા માટે હથિયારો સાથે સગીરોના વીડિયો અને ફોટા શેર કરવામાં આવે છે.
- TikTok જેવા પ્લેટફોર્મ પર ઈન્ફ્લુએન્સર ગેંગની જીવનશૈલી માટે બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જે બાળકોને વધુ આકર્ષે છે.
હિંસક ટ્રેન્ડ
કેટલાક બાળકો કોન્ટ્રાક્ટ કિલર બનવાની પણ ઈચ્છા રાખે છે. પોલીસને એક 11 વર્ષનો છોકરો ઓનલાઈન શેખી મારતો જોવા મળ્યો કે તેને ગિફ્ટમાં તેની કારકિર્દીની પ્રથમ “ડેડ બોડી” જોઈએ છે. ગેંગ માનસિક રીતે વિકલાંગ બાળકો અથવા છોકરીઓનો પણ ગુના કરવા માટે ઉપયોગ કરે છે, કારણ કે આવા બાળકોને મેનીપ્યુલેટ કરવા સહેલા પડે છે.
એક કેસમાં એક 16 વર્ષ બાળકનો સમાવેશ થાય છે જેણે બે બાળકોના પિતાની હત્યા કરી હતી અને તે વ્યક્તિની પત્ની અને બાળકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માતા માંડ માંડ બચી અને તેના બાળકનો જીવ બચાવ્યો. ફરિયાદીઓએ તેને તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયાનક કેસોમાંનો એક ગણાવ્યો હતો.
અધિકારીઓ અને પોલીસ કટોકટીનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગેંગના જોખમો વિશે બાળકોને શિક્ષિત કરવા જુદા જુદા શહેરોમાં પ્રોગ્રામો અને પેટ્રોલિંગ થાય છે. ગરીબીને દૂર કરવા માટે સરકાર પગલાં ભરી રહી છે. બધાને સમાન તકો મળી રહે એના માટે પ્રયાસો થઈ રહ્યા છે. ગેંગની સંડોવણીના લાંબા ગાળાના પરિણામો પર પ્રકાશ પાડીને પ્રજામાં જાગૃતિ ફેલાવવામાં આવે છે.
ઘણા યુવાનો કે જેઓ ગેંગમાં જોડાય છે તેઓ 25 વર્ષની વયથી વધુ જીવવાની અપેક્ષા રાખતા નથી. એકવાર તેઓ આ હિંસક દુનિયામાં પ્રવેશ્યા પછી, તેમના માટે આ અંધારી આલમ છોડવી લગભગ અશક્ય છે. ગુનેગારો ઓનલાઈન નકલી ઓળખ પાછળ છુપાઈ જાય છે અને બાળકોનું નિર્દયતાથી શોષણ કરે છે જ્યારે બાળકો તમામ જોખમો સહન કરે છે. સ્વીડન હિંસાના ક્યારેય ન સમાપ્ત થતા વિષ ચક્ર સાથે ઝઝૂમી રહ્યું છે, કારણ કે ગેંગસ્ટર લોબી બાળકોને ફસાવી રહી છે. આનાથી બધું ક્રૂર શું હોઈ શકે?
