૧૨મીથી સુરતમાં શરુ થશે બીગ ક્રિકેટ લીગ
ઈરફાન પઠાણ-શિખર ધવન બન્યા કેપ્ટન : રવિના ટંડન વગેરેએ ફ્રેન્ચાઈઝી લીધી છે
જાણીતા ક્રિકેટરો ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના અને શિખર ધવનથી લઈને હર્શલ ગિબ્સ જેવા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સથી શોભતી બિગ ક્રિકેટ લીગની પ્રથમ સિઝનની તારીખ જાહેર કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા ભૂતપૂર્વ સ્ટાર્સ અને મહત્વાકાંક્ષી ક્રિકેટરોથી ભરેલી આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન 12 ડિસેમ્બરથી શરૂ થશે. તારીખની જાહેરાત સાથે તમામ 6 ટીમો પણ તૈયાર થઈ ગઈ છે. મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની ટીમ તૈયાર કરી હતી. આ સાથે તમામ 6 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઈમાં 30મી નવેમ્બરે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં આ 6 ટીમોએ 36 ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, શિખર ધવન, સુરેશ રૈના, પવન નેગી જેવા ભારતીય દિગ્ગજો ઉપરાંત હર્શેલ ગિબ્સ, તિલકરત્ને દિલશાન, ઈમરાન તાહિર, લેન્ડન સિમન્સ જેવા વિશ્વ ક્રિકેટના કેટલાક મોટા નામ પણ સામેલ છે. દરેક ફ્રેન્ચાઈઝીમાં 18-18 ખેલાડીઓની ટીમ હોય છે. જેમાં 6 ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો, 2 ભૂતપૂર્વ ભારતીય પ્રથમ વર્ગના ક્રિકેટરો અને 10 મહત્વાકાંક્ષી ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થાય છે.
નોર્ધન ચેલેન્જર્સ, યુપી બ્રિજ સ્ટાર્સ, રાજસ્થાન રીગલ્સ, એમપી ટાઈગર્સ, મુંબઈ મરીન અને સધર્ન સ્પાર્ટન્સ ટીમો બિગ ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહી છે. ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના, શિખર ધવન, ઈમરાન તાહિર અને તિલકરત્ને દિલશાનને આ ટીમોના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન, રાશા થડાની અને સુપ્રીમ કોર્ટના વકીલ સના રઈસ ખાન જેવા પ્રખ્યાત નામોએ આ લીગની ફ્રેન્ચાઈઝી ટીમો ખરીદી છે. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી ગુજરાતના સુરત શહેરમાં શરૂ થશે.
બિગ ક્રિકેટ લીગ કમિશનર અને ભૂતપૂર્વ અનુભવી ભારતીય બેટ્સમેન દિલીપ વેંગસરકરે પણ આ સમયગાળા દરમિયાન ટૂર્નામેન્ટ ટ્રોફીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેણે આ લીગમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખેલાડીઓને સાથે લાવવાની પહેલને ઉત્તમ ગણાવી હતી. લીગના પ્રમુખ રુદ્ર પ્રતાપ સિંહે પ્રથમ સિઝનના પ્લેયર્સ ડ્રાફ્ટના સફળ સંચાલન પર ખુશી વ્યક્ત કરી હતી. બિગ ક્રિકેટ લીગના કો-ફાઉન્ડર અને સીઈઓ અનિરુધ ચૌહાણે કહ્યું કે છેલ્લા 10-12 મહિનાથી ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે.