ખ્યાતી કાંડની તપાસ સીબીઆઈને સોંપો : રાજ્યસભામાં શક્તિસિંહની માંગ
ગામડામાં કેમ્પ યોજીને PMJAYમાં કરોડો રૂપિયા ભેગા કરી લીધા, 2022માં કાર્યવાહી કરી હોત તો આવું ન બન્યું હોત
કોંગ્રેસે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં થયેલા કાંડનો મુદ્દો હવે રાષ્ટ્રીય બનાવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મંગળવારે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવી સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તંત્રની મિલીભગતથી સરકારી યોજનાના કરોડો રૂપિયા હોસ્પિટલ સંચાલકોએ પડાવ્યા છે. જો સરકારે કાર્યવાહી કરી હોત તો આ કાંડ બનત જ નહી.
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે હોસ્પિટલ દ્વારા ગામડામાં કેમ્પ યોજીને PMJAYમાં કરોડો રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા છે.જો સરકારે 2022માં કાર્યવાહી કરી હોત તો આવું ન બન્યું હોત. શક્તિસિંહે કહ્યું કે સમગ્ર કાંડમાં પોલીસ અને તંત્રની મિલીભગત સ્પષ્ટ છે.
શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરતાં કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં માનવ જીવન સાથે રમત કરીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું સુઆયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના લોકો ગામડે જઈને ગરીબોને ફ્રી મેડિકલ કેમ્પના નામે બોલાવતા હતા. સ્થાનિક સરકારની મિલીભગત વિના હોસ્પિટલ વહીવટીતંત્ર આ કરી શક્યું ન હોત. આની તપાસ થવી જોઈએ.