નિર્મલા સીતારમણ – વિજય રૂપાણીની હાજરીમાં નેતાની પસંદગી થશે
મોવડી મંડળે બંનેને નિરીક્ષક બનાવ્યા
ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવાના મૂડમાં!
મહારાષ્ટ્રમાં કાલે ભાજપનાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક
મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ માટે ભાજપે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓની મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી પ્રક્રિયા માટે નિમણૂક કરવામાં આવી છે.
બુધવારે મુંબઈમાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.અગાઉ એ જાહેર થઇ ચુક્યું છે કે મુખ્યમંત્રીની શપથવિધિ તા. ૫મીએ થશે. વિજય રૂપાણી પંજાબમાં ભાજપના પ્રભારી છે. જયારે નિર્મલા કેન્દ્રીય નાણામંત્રી છે.
ભાજપના સહયોગી પક્ષ એનસીપી અને શિવસેના બંનેમાં ધારાસભ્ય દળની બેઠક અને નેતાની ચૂંટણી યોજાઈ ચુકી છે. એનસીપીએ અજિત પવારને પસંદ કર્યા હતા જ્યારે શિવસેનાએ એકનાથ શિંદેને તેના નેતા તરીકે પસંદ કર્યા છે. પરંતુ ભાજપમાં હજુ આ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.
ભાજપના સુત્રો અનુસાર, જે નેતાનું નામ ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂર કરવામાં આવશે તે નેતા મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મહાગઠબંધનમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. ભાજપના નેતા કોણ હશે તેના પર સૌની નજર છે. સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસ આ રેસમાં સૌથી આગળ છે. જો કે, કેટલાક રાજકીય પંડિતો એવું પણ માની રહ્યા છે કે, ભાજપ કોથળામાંથી બિલાડુ કાઢે તો નવાઈ પામવા જેવું નહી રહે. ભૂતકાળમાં પણ ભાજપે ઘણા આશ્ચર્યો સર્જ્યા છે. મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં થવાનો છે.