વધુ એક મુસ્લિમ દેશમાં કત્લેઆમ શરૂ : સિરિયામાં વિદ્રોહીઓના હિંસક આક્રમણમાં 200 લોકોના નિપજ્યાં મોત
વિશ્વના અનેક દેશોમાં અશાંતિ વચ્ચે વધુ એક મુસ્લિમ દેશમાં કત્લેઆમ શરૂ થઈ છે. સિરિયામાં વિદ્રોહીઓએ ભારે ખૂનખરાબી કરી છે. જેહાદીઓએ દમાસ્કસ-અલેપ્પો ધોરીમાર્ગ પર આક્રમણ કર્યું હતું. પરિણામે ધોરીમાર્ગ બંધ કરવો પડયો હતો. જેહાદી જૂથ હયાત-તાહીર-અલ્-શામ અને તેનાં સાથી જૂથોએ સીરિયા પર કબજો જમાવવા ખૂનખાર યુદ્ધ છેડી દીધું છે. તેમને રશિયાની સહાય છે. રશિયન-એર-સ્ટ્રાઇક્સને લીધે આ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. કત્લેઆમમાં 200ના મોત થયા હતા.
કુવૈત-ઈરાક-સીરિયા લેબેનોન અને જોર્ડન તથા ઇઝરાયલનો વિસ્તાર વિશ્વના મહત્ત્વના વ્યૂહાત્મક વિસ્તારો પૈકીનો એક છે. આ વિસ્તાર પર કબજો જમાવવા મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. ઈરાક અને સીરિયામાં વર્ષોથી આંતર-કલહ ચાલી રહ્યો છે. તે પૈકી સીરિયામાં તીવ્ર આતંર-કલહ ચાલે છે જે છેલ્લાં કેટલાંક સમયથી અતિ તીવ્ર બની રહ્યો છે. તેમ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે.
અત્યારે સીરિયામાં ચાલી રહેલાં ગૃહ યુદ્ધમાં હયાત તાહીર-અલ્-શામ (એચ.ટી.એસ.)ના 102 આતંકીઓ માર્યા ગયા છે. બીજા 19 તેનાં સાથી જૂથોના આતંકીઓ માર્યા ગયા છે. તો બીજી તરફ પ્રમુખ બશર અલ અસદની સરકારનાં અને સાથીઓનાં દળો મળી 61 નાં મોત થયાં છે. આમ કુલ આંક 200 મૃત્યુનો પહોંચ્યો છે.
ઉક્ત ઓબ્ઝર્વેટરીના રામી અબ્દુલ રહેમાન જણાવે છે કે રશિયાના વિમાન હુમલામાં અલેપ્પોની આજુબાજુના વિસ્તારોમાં કુલ મળી 19 નાં મૃત્યુ થયાં છે. જ્યારે સીરીયન લશ્કરના તોપમારાથી અન્યોનાં મૃત્યુ થયાં છે.