મહારાષ્ટ્ર મુદ્દે શું થઈ કવાયત ? મામલો ક્યાં પહોંચ્યો ? વાંચો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો શિંદેની ચોખવટ બાદ સાફ થઈ રહ્યો હોય તેવુ લાગતું હતું પણ પેચ હજુ પણ ફસાયેલો છે. શુક્રવારે સાંજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠકો યોજાવાની હતી, પરંતુ તે રદ થઈ હતી. ગુરુવારે રાત્રે મોડે સુધી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહાયુતીના ત્રણેય નેતાઓની બેઠક કલાકો સુધી ચાલી હતી પણ કોઈ ફાઇનલ નિર્ણય થઈ શક્યો નથી. ફડણવીસ, શિંદે અને અજીત પવાર શાહ સાથે લાંબી ચર્ચામાં ગૂંથાયા હતા પણ તેનું અપેક્ષિત પરિણામ નીકળ્યું નહતું.
એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત પોતાના વતન જવા રવાના થયા હતા તે શનિવારે પરત ફરશે તેવુ જણાવવામાં આવ્યું છે. અગાઉ મહાયુતિ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, ‘શુક્રવારે મહાયુતિ નવી સરકારની રચના મુદ્દે સ્પષ્ટતા કરશે. તેમજ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે ભાજપના ધારાસભ્યોની બેઠક શનિવારે યોજાશે.’ પરંતુ આ બેઠકો રદ થઈ હોવાના અહેવાલો મળતાં મહાયુતિ ગઠબંધનમાં ફરી પાછી પદ માટે વિવાદ સર્જાયો હોવાની અટકળો લગાવાઈ રહી છે.
શિંદે કેન્દ્રીય મંત્રી નહીં બને
શુક્રવારે શિંદે જૂથના નેતા સંજય શિરસાટે મીડિયા સામે એમ કહ્યું હતું કે એકનાથ શિંદે કેન્દ્રીય મંત્રી બનશે નહીં અને નાયબ સીએમ પણ બનવા માંગતા નથી. તેઓ એમના ગામ ચાલ્યા ગયા છે અને શનિવાર સુધીમાં ફાઇનલ નિર્ણય અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દેશે
આઠવલેએ ફોડ પાડી દીધો
દરમિયાનમાં આ બધી કવાયત વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે મીડિયાને એમ કહી દીધું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ જ આવશે તેવું સ્પષ્ટ લાગે છે. એમણે એમ પણ કહ્યું હતું કે અંતે શિંદેને ભાજપનો ફેસલો મંજૂર રહેશે.
તબિયત ખરાબ થઈ ?
શિંદે જુથના એક અન્ય નેતા ઉદય સાવંતે એમ કહ્યું હતું કે શિંદેની તબિયત ખરાબ થઈ ગઈ હતી માટે તેઓ પોતાના ગામ આરામ કરવા માટે ચાલ્યા ગયા છે. તેઓ શનિવારે પાછા આવે તેવી શક્યતા છે.