અબુધાબીમાં ગ્લોબલ મીડિયા કોંગ્રેસનું સમાપન : ‘વોઈસ ઓફ ડે’એ જગાવ્યુ આકર્ષણ
અબુધાબીમાં નેશનલ એક્ઝીબીશન સેન્ટરમાં યોજાયેલી ગ્લોબલ મીડિયા કોંગ્રેસનું ગુરુવારે સમાપન થયુ હતુ. આ વખતે આ કોન્ફરન્સમાં ૧૭૨થી વધુ દેશોના ૨૦૦થી વધુ મીડિયા હાઉસે ભાગ લીધો હતો. માત્ર રાજકોટ જ નહી પરંતુ ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત એક હતી કે વોઈસ ઓફ ડે પણ સહભાગી થયુ હતું અને તેનુ એક મીડિયા સ્ટેન્ડ પણ હતુ. આ ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં ગુરુવારે બપોરે આજની નવી પેઢી ઉપર સોશિયલ મીડિયાની અસર એ વિષય ઉપર રસપ્રદ ચર્ચા થઇ હતી.
આ સિવાય મીડિયાને આવરી લેતા અન્ય મુદ્દાઓ પણ ચર્ચાયા હતા અને તેમાં મીડિયા જગતના પ્રખર વક્તાઓએ ભાગ લીધો હતો. વોઈસ ઓફ ડેનાં એમ.ડી. કૃણાલ મણિયાર અને ડીરેક્ટર મીરા મણિયારે જુદા જુદા દેશોના મીડિયાના કર્મચારીઓ અને માલિકો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. અનેક વિદેશી પત્રકારોએ વોઈસ ઓફ ડે પબ્લિકેશન અને ડીજીટલ મીડિયા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી અને પ્રસંશા પણ કરી હતી. આ સેન્ટરમાં દુબઈ પોલીસે ટ્રાફિકની સમજ આપતો એક સ્ટોલ રાખ્યો હતો અને બધાને સમજ આપી હતી. ત્રણ દિવસની આ ગ્લોબલ મીડિયા કોંગ્રેસના સમાપન સમયે યુ.એ.ઈ. સરકારના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.