પોલીસે કહ્યું, પૂરાવા એકઠાં થયા બાદ દુષ્કર્મીની ધરપકડ થશે !
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
ફરિયાદીની મેડિકલ તપાસ, સ્થળનું પંચનામું કરાયા બાદ આગળની કાર્યવાહી કરાશે-ડીસીપી
દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી આ પ્રકારે કાર્યવાહી કરાઈ નથી ત્યારે આમાં જ શા માટે ? ઉઠી રહેલા સવાલ
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી દ્વારા રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાતાં સનસનાટી મચી જવા પામી હતી. બીજી બાજુ દુષ્કર્મ જેવા સંવેદનશીલ મુદ્દામાં પોલીસ દ્વારા જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે તે અત્યંત ઢીલી હોવાનું ફરિયાદીએ રોષપૂર્વક જણાવ્યું હતું. બીજી બાજુ આ અંગે ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ સંબોધેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દુષ્કર્મી જીત પાબારી વિરુદ્ધ પૂરાવા એકઠા થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે !
ડીસીપીએ જણાવ્યું કે ફરિયાદી યુવતીની મેડિકલ ચકાસણી કરવામાં આવશે. આ પછી જીત પાબારી દ્વારા તેના પર જે સ્થળે દુષ્કર્મ આચર્યું તે સ્થળનું પંચનામું કરાશે અને જો તેમાં જીત વિરુદ્ધ કોઈ પૂરાવા મળશે તો તેની ધરપકડ કરવામાં આવશે. હજુ સુધી જીત પાબારીની ધરપકડ કરવામાં આવી નહીં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે કે દુષ્કર્મની ફરિયાદ નોંધાય એટલે પોલીસ દ્વારા તુરંત જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવતી હોય છે પરંતુ આ કેસમાં એવું કરવામાં આવ્યું ન હોવાનું ફરિયાદી દ્વારા જણાવાયું હતું. શહેરમાં તાજેતરના દિવસોમાં દુષ્કર્મની અનેક ફરિયાદો નોંધાઈ છે પરંતુ તેમાં પોલીસ દ્વારા ક્યારેય પૂરાવા એકઠા કરીને આરોપીને પકડવામાં આવશે તેવું નિવેદન અપાયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણકારો એવું જણાવી રહ્યા છે કે જીત પાબારી દ્વારા ફરિયાદી યુવતી પર જીત દ્વારા બે-ત્રણ વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજારાયું હતું પરંતુ જીત દ્વારા દગો આપવામાં આવતાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે તેના વિરુદ્ધ પૂરાવા કેવી રીતે મળશે તે પણ સો મણનો સવાલ છે.
૨૦ દિ’ પહેલાં ફરિયાદી આપઘાત કરવા જઈ રહી’તી
એવી વિગતો પણ જાણવા મળી છે કે જીત પાબારી તરફથી દગો મળ્યા બાદ હારી ગયેલી યુવતી ૨૦ દિવસ પહેલાં આપઘાત કરવા જઈ રહી હતી પરંતુ આ અંગેની જાણ તેની બહેનપણીને થઈ જતાં તેણે સમજાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત આપી હતી જેના કારણે જ પોલીસ ચોપડે જીત પાબારીનું નામ નોંધાયું છે.
દુષ્કર્મ કેસમાં ફરિયાદીના નિવેદનના આધારે આરોપીની ધરપકડ કરી લેવાની હોય છે: એડવોકેટ ભગીરથસિંહ
હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા પૂરાવા મળ્યે આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવું નિવેદન અપાતાં ભારે વિવાદ થયો છે ત્યારે આ અંગે એડવોકેટ ભગીરથસિંહ ડોડિયાને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પૂરાવાની કોઈ રાહ જોવાની હોતી જ નથી. દુષ્કર્મ કેસમાં યુવતીનું નિવેદન જ મહત્ત્વનું હોવાનું સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સહિતની કોર્ટ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે આમ છતાં પોલીસ દ્વારા શા માટે પૂરાવા એકઠા કરીને આરોપીની ધરપકડ કરાશે તેવું નિવેદન અપાયું હશે ? પોલીસની આ કાર્યવાહી અત્યંત શંકાસ્પદ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.