કારખાનેદારનો પરિવાર સૂતો રહ્યો’ને તસ્કરો 4.28 લાખની ચોરી કરી ગયા
કાંગશીયાળી ગામની સીમમાં આવેલા નિરવાના બંગ્લોઝનો બે મકાનોને ત્રણ બુકનિધારીઓ નિશાન બનાવ્યા : શાપર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
રાજકોટની ભાગોળે કાંગશીયાળી ગામની સીમમાં આવેલા નિરવાના બંગ્લોઝમાં કારખાનેદાર સહિતના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા સહિત ૪.૮૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા.પરિવાર નીચે સૂતો રહ્યો ત્યારે ત્રણ બુકાનીધારીઓ ચોરીને અંજામ આપીને નાશી ગયા હતા.આ મામલે શાપર પોલીસે ઘટના અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરી છે.
મળતી વિગતો મુજબ, મૂળ માળિયા હાટીનાના લાંગોદરા ગામના વતની અને હાલ કાંગસિયાળીની સીમમા નિરવાના બંગલોઝ બ્લોક નંબર ૧૫ માં રહેતા અરવિંદભાઈ જેરામભાઈ નરેરા(ઉ.વ ૪૫) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને પડવલામાં વણ કાસ્ટીગ પાછળ ક્રિસ્ટલ એન્ટરપ્રાઇઝ નામે શેડ આવેલો છે. અને છેલ્લા છ વર્ષથી અહીં રહે છે. તારીખ ૨૪/૧૧ ના તે તથા તેમના પત્ની અને પુત્ર ઘરે હતા રાત્રિના નવેક વાગ્યે આસપાસ તેઓ સુઈ ગયા બાદ સવારે પુત્ર સાહિલે જગાવી કહ્યું હતું કે,ઘરમાં ચોરી થઈ છે જેથી ફરિયાદી તથા તેમના પત્નીએ ઘરમાં જોતા મકાનના ઉપરના માળે આગળથી નીચે ઉતારવાની સીડી પાસે બારી હોય જે બારીની ગ્રીન તૂટેલી હતી અને ઘરમાં તપાસ કરતા કબાટમાં રાખેલા સોના- ચાંદીના ઘરેણા તથા ચાંદીનું બિસ્કીટ સહિત કુલ ૪.૩૭ લાખના ઘરેણાઓની ચોરી થઈ હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ આજુબાજુમાં તપાસ કરતા સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ દિલુભા સોલંકી જે બ્લોક નંબર ત્રણમાં રહેતા હોય તેમના ઘરે પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.તેમના ઘરે અગાસીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી તસ્કરોએ ૪૫,૦૦૦ ની મત્તા ચોરી કરી લીધી હોવાનું માલુમ પડ્યું હતું. આમ રાત્રિના અહીં ત્રાટકેલા તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ૪.૮૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે કારખાનેદારની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.