જયંતી સરધારા ઉપર હુમલાનું મુળ કારણ કંઈક બીજું જ હોવાની ચર્ચા
પૂર્વ કોર્પોરેટર-સરદારધામના ઉપપ્રમુખ પર હુમલા બાદ સમાજમાં તરેહ તરેહની ચર્ચાઓ
માત્ર એક સંસ્થા છોડી બીજી સંસ્થા સાથે જોડાયા તેમાં હત્યાના પ્રયાસ સુધી વાત પહોંચી જાય તે કોઈને ગળે ઉતરતી નથી
પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી રાજકોટ તેમજ જૂનાગઢમાં પોલીસના દરોડા
શહેરના મવડી-કણકોટ રોડ ઉપર પાર્ટીપ્લોટમાં ચાલી રહેલા લગ્નપ્રસંગ જ દરમિયાન મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢ પોલીસ ટે્રનિંગ સેન્ટરમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટર સંજય પાદરિયા દ્વારા જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાના ૨૪ કલાક બાદ પણ પોલીસ હજુ સુધી પીઆઈ સુધી પહોંચી શકી નથી. પીઆઈ પાદરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાને કારણે તેમને શોધવા માટે રાજકોટ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી રાજકોટ તેમજ જૂનાગઢમાં દરોડાનો દોર આરંભ્યો છે. બીજી બાજુ આ ઘટના બાદ પાટીદાર સમાજમાં તરેહ તરેહની ચર્ચાઓ તેમજ જેટલા મોઢા એટલી વાતોનો દોર પણ શરૂ થઈ જવા પામ્યો છે. અમુક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ હુમલો પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કહેવાથી કરવામાં આવ્યો છે તો વળી અમુક લોકો એવી અટકળો વહેતી કરી રહ્યા છે કે ડખ્ખાનું કારણ કંઈક બીજું જ હોઈ શકે છે ! જો કે સત્ય હકીકત તો પીઆઈ પાદરિયાની ધરપકડ થયા બાદ જ સામે આવી શકે છે. એકંદરે જયંતી સરધારા ઉપર હુમલાનું મુળ કારણ કંઈક બીજું હોવાની ચર્ચાએ જોર પકડી લીધું છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે કોઠારિયા મેઈન રોડ પર નવનીત હોલ સામે શ્રીરામ પાર્ક-૧માં રહેતા જયંતી કરશનભાઈ સરધારા (ઉ.વ.૫૮)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ એસઆરપી રિજિયન પોલીસ ઈન્સ્પેક્ટર સંજય પાદરિયાનું નામ આપતાં જણાવ્યું હતું કે તેઓ સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સમાજ અગ્રણી તરીકે સેવા આપે છે. સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ પોતાની ઓડી કાર નં.જીજે૩-એમબી-૮૧૧૮ લઈ તેમના મિત્ર રમેશભાઈ ગિરધરભાઈ ખૂંટના પુત્રના લગ્નમાં શ્યામ પાર્ટી પ્લોટ (મવડી-કણકોટ રોડ) પર ગયાહતા ત્યારે તેમની પાસે સંજય પાદરિયા ધસી આવ્યા અને `હું સંજયભાઈ પાદરીયા પીઆઈ છું અને જૂનાગઢ એસઆરપી રિજિયનમાં ફરજ બજાવું છું, તું સમાજનો ગદ્દાર છે’ કહીને માર મારવાનું શરૂ કર્યું હતું. સંજય પાદરિયા દ્વારા એવું પણ કહેવાયું હતું કે નરેશ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરી રહ્યો છે એટલે તને અહીંથી જીવતો જવા દેવો નથી.
આ પછી તેણે જયંતી સરધારા પરહુમલો કરી દેતાં લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના બાદ તાલુકા પોલીસે પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી હતી. આ પછી પોલીસની એક ટીમે જૂનાગઢમાં પીઆઈ પાદરિયાના ઘેર પણ દરોડો પાડ્યો હતો પરંતુ ત્યાં તેઓ હાથ લાગ્યા ન્હોતા.
ખોડલધામના તત્કાલિન ચેરમેને પાદરિયાની બદલી કરાવી’તી !
હુમલાની ઘટના બન્યા બાદ અનેક પ્રકારની વાતો વહેતી થવા લાગી હતી તેમાં એક વાત એવી પણ સામે આવી હતી કે ખોડલધામના તત્કાલિન ચેરમેનને પીઆઈ સંજય પાદરિયા સાથે ખાટું પડી જતાં તેમણે તેની એક ઝાટકે બદલી કરાવી નાખી હતી. આ મામલો ઘણો ચગ્યો હતો પરંતુ એ સમયે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું ન્હોતું. જો કે હવે હુમલાની ઘટનામાં પીઆઈ પાદરિયાનું નામ સામે આવતાં આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.
ખોડલધામ-સરદારધામ: લેઉવા પટેલ સમાજની જ સંસ્થાઓ છતાં આટલું ઝેર ?
જે મામલે જયંતી સરધારાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે મામલાનું મુળ અત્યારે તો સરધારા ખોડલધામમાંથી સરદારધામમાં ગયા તેનું જ બહાર આવી રહ્યું છે. જો આ વાત સત્ય હોય તો એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી કે આ બન્ને સંસ્થા લેઉવા પટેલ સમાજની જ સંસ્થાઓ છે છતાં આટલું બધું ઝેર શા માટે ? શું ખોડલધામ છોડીને સરદારધામ સાથે જોડાયા હોય તે ખોડલધામ સાથે જોડાયેલાના દુશ્મન બની જતાં હશે ? આ સહિતના મુદ્દા પણ અત્યારે ચર્ચાની એરણે ચડ્યા છે.
આટલા પ્રશ્નો શંકાસ્પદ
- હુમલો થતાં બેભાન થઈ ગયેલા જયંતી સરધારાને હોસ્પિટલ કોણ લઈ ગયું ?
- સરધારાએ હુમલા બાદ સરદારધામ-ખોડલધામનો ઉલ્લેખ શા માટે કર્યો ?
- જયંતી સરધારા લગ્નમાં આવવાના જ છે તે પીઆઈને પહેલાંથી જ ખબર હતી ?
- સામે આવેલા સીસીટીવીમાં પાદરિયાના હાથમાં હથિયાર દેખાતું નથી તો શું સાચે જ તેણે હથિયારથી હુમલો કર્યો ?
- હુમલાને કારણે બેભાન થઈ ગયાનું સરધારા જ કહી રહ્યા છે પણ ફૂટેજમાં બેભાન થયા હોય તેવું ક્યાંય દેખાતું નથી
- શહેરમાં અનેક મારામારી એવી થઈ છે જેમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શકાય પરંતુ નોંધાયો નથી, જો કે આ કેસમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો, શા માટે ?
- પીઆઈ પાદરિયા રજા પર હોવાથી તેનું સત્તાવાર હથિયાર પીટીસીમાં જમા હતું તો શું તેઓ કોઈ બીજું હથિયાર લઈને આવ્યા હતા ?
- સરધારાએ પછડાટ ખાધાં બાદ નીચે પડેલા પથ્થરને કારણે ઘવાયા ?
- પીસ્તલનો કુંદો માર્યાનો દાવો કરાઈ રહ્યો છે પરંતુ સરધારાને થયેલી ઈજા કુંદાથી થઈ હોય તેવું લાગી રહ્યું નથી
હુમલા અંગે કોણે શું કહ્યું ?
- ખોડલધામ સંસ્થાને આ ઘટના સાથે કોઈ જ લેવા-દેવા નથી: ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયા
- પીઆઈ સંજય પાદરિયા નરેશ પટેલ કહે એટલું જ કરવા માટે ટેવાયેલા છે: સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયા
- આરોપી પાદરિયાની ધરપકડ થયા બાદ જ સત્ય હકીકત સામે આવશે: એસીપી બી.જે.ચૌધરી
- આ વિવાદ બે વ્યક્તિ વચ્ચેનો છે, સમાજ વચ્ચે નહીં: પરસોત્તમ પીપળીયા
- સરદારધામ-ખોડલધામ બન્ને સંસ્થાના હેતુ અલગ છે: મુકેશ મેરજા