મહારાષ્ટ્રના સીએમ નક્કી કરવા છેલ્લી ઘડીની કવાયત, ફડણવીસ દિલ્હીમાં
મહારાષ્ટ્રમાં મહાયુતીને વિધાનસભાની ચુંટણીમાં જબ્બર સફળતા મળ્યા બાદ મુખ્યમંત્રી નક્કી કરવા માટે જબરી ખેંચતાણ ચાલી રહી છે અને ભાજપના નેતા ફડણવીસ તેમજ શિવસેનાના એકનાથ શિંદે વચ્ચે સ્પર્ધા જામી છે પણ ફડણવીસ મેદાન મારી જશે તેવું લાગે છે.
મુખ્યમંત્રી નક્કી કરવા માટેની કવાયત ગતિશીલ બની છે અને ભાજપની કેન્દ્રીય નેતાગીરી બેઠકોના દોર ચલાવી રહી છે. આ દરમિયાન સોમવારે ફડણવિસને દિલ્હીનું તેડું આવતા તેઓ સાંજે મુંબઈથી દિલ્હી જવા રવાના થયા હતા. એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી બનવા માટે જોર લગાવી રહ્યા છે.
જો કે રાજકીય નિષ્ણાતો એમ માને છે કે ફડણવીસની વ્યુહ રચના ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ છે અને સંઘ પરિવાર પણ એમને જ મુખ્યમંત્રી બનાવાની તરફેણ કરી શકે છે ત્યારે ભાજપના ટોચના નેતાઓ ચર્ચામાં ગૂંથાયેલા છે.
શિંદેએ શુ કરી માંગણી
દરમિયાનમાં શિવસેના જૂથના નેતા એકનાથ શિંદે અને એમના ટેકેદારો એવી માંગણી કરી રહ્યા છે કે બિહાર મોડેલ અપનાવીને મુખ્યમંત્રી પદ નક્કી થવું જોઈએ. શિંદેએ એવી દલીલ પણ કરી છે કે શહેરી વિસ્તારોમાંથી અમને સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે બીએમસી સહિત સ્થાનિક એકમો જાળવી રાખવા માટે શિંદેને મુખ્યમંત્રી બનાવવા જરૂરી છે. આમ શિંદે બીજીવાર મુખ્યમંત્રી બનવા માંગે છે.